Gujarat

ગોબલજ હાઈવે ઉપર ડિવાઇડર સાથે બાઈક અથડાતા ચાલકનું મોત નિપજ્યું

By GS TEAM
17 Mar 20262 mins read
ગોબલજ હાઈવે ઉપર ડિવાઇડર સાથે બાઈક અથડાતા ચાલકનું મોત નિપજ્યું

- ખેડા જિલ્લામાં અકસ્માતના વધુ બે બનાવ

- ચકલાસી રાઘુપુરા પાટિયા નજીક મોપેડ બાઈક સાથે અથડાતા ચાલકને ઇજા, બંને અકસ્માત મામલે ગુનો

નડિયાદ : નેશનલ હાઈવે નંબર ૪૮ પર ગોબલેજ બ્રિજ ઉતરતા ડિવાઇડર સાથે મોટરસાયકલ અથડાતા ગંભીર રીતે ઈજા પામેલ બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અક્માત મામલે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

અમદાવાદના ગોમતીપુરમાં રહેતા સુરેશભાઈ લાડુજી ઓડ ખેડા ખાતે કોન્ટ્રાક્ટરનું કામ રાખેલું હોવાથી રવિવારે રાત્રે ખેડાથી મોટરસાયકલ લઇ ઘરે જતા હતા. આ દરમિયાન નેશનલ હાઈવે નંબર ૪૮ પર ગોબલજ બ્રિજ ઉતરતા મોટરસાયકલ ડિવાઇડર સાથે અથડાતા બાઈક ચાલક સુરેશભાઈ (ઉં.વ. ૪૦)ને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઇ હતી. જેથી બાઈકચાલકને ૧૦૮ મારફત ખેડા સિવિલ હોસ્પિટલમાં લઈ જતા પરત ફરજ પરના તબીબે સુરેશભાઈને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ધર્મજી લાડુજી ઓડની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે બીજા બનાવમાં ચકલાસીના રાજનગરમાં રહેતા દિનેશભાઈ ચંદુભાઈ વાઘેલા તા.૧૨ની સાંજે મોટરસાયકલ લઇ ઘર તરફ જતા હતા. ત્યારે રાધુપુરા પાટિયા નજીક મોપેડે ટક્કર મારતા મોટરસાયકલ ચાલક દિનેશભાઈને રોડ ઉપર પડી જતા માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. જેથી તેઓને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે હસમુખભાઈ ચંદુભાઈ વાઘેલાની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.