Get The App

લાલી પાસે બાઇક ગટરમાં ખાબકતા ઘાયલ ચાલકનું મોત

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
લાલી પાસે બાઇક ગટરમાં ખાબકતા ઘાયલ ચાલકનું મોત 1 - image

- 4 દિવસ અગાઉ અકસ્માત સર્જાયો હતો 

- સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડની સાઇડમાં ગટરમાં બાઇક પડી હતી 

 નડિયાદ : ખેડાના લાલી ગામ પાસે ચાર દિવસ અગાઉ બાઇક રોડ સાઇડની ગટરમાં ખાબકતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત ચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન મોત થયું હતુ. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 

 તાલુકાના લાલી ગામના પાટિયા પાસે રોડ પર તા. ૯/૦૩/૨૦૨૬ ના રોજ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી મોહમ્મદ કાસીમ બરકતઉલ્લા પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. આ સમયે અચાનક સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા તેમનું બાઈક રોડની સાઈડમાં આવેલી ગટરમાં જઈને ખાબક્યું હતું. બાઈક સવાર ગટરમાં પડતા જ તેમને ઈજાઓ પહોંચી હતી. ગટરમાં પડેલા ચાલકને મહામુસીબતે બહાર કાઢયો હતો. ગંભીર હાલત જણાતા તેમને વધુ સારવાર માટે તાત્કાલિક અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા ચાર દિવસથી હોસ્પિટલના બિછાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા મોહમ્મદ કાસીમનું આજે બપોરે સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. હોસ્પિટલ દ્વારા આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ બનાવ સંદર્ભે ખેડા શહેર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી મૃતકની લાશના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.