Get The App

અમદાવાદના રાણીપમાં મોડી રાત્રે પૂરપાટ દોડતી કાર બ્રિજ નીચે કેનાલમાં ખાબકી, બે યુવકો ઇજાગ્રસ્ત

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદના રાણીપમાં મોડી રાત્રે પૂરપાટ દોડતી કાર બ્રિજ નીચે કેનાલમાં ખાબકી, બે યુવકો ઇજાગ્રસ્ત 1 - image


Ahmedabad Accident: અમદાવાદના રાણીપ અને વાડજ વિસ્તારને જોડતા ચંદ્રભાગા બ્રીજ પર એક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી બ્રીજ નીચે આવેલી કેનાલમાં ખાબકી હતી. આ અકસ્માતમાં કારચાલક સહિત તેમાં સવાર અન્ય એક યુવકને ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે બી ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોડી રાત્રે સર્જાયો અકસ્માત

મળતી માહિતી અનુસાર, આ અકસ્માત ગત મોડી રાત્રે સર્જાયો હતો. એક કાર રાણીપ તરફથી ચંદ્રભાગા બ્રીજ તરફ જઈ રહી હતી. કાર નવરંગપુરા વિસ્તારમાં રહેતા 39 વર્ષીય વિશાલ મનોજ શાહ ચલાવી રહ્યા હતા અને તેમની બાજુની સીટ પર તેમનો 33 વર્ષીય મિત્ર મુકુન્દ પટેલ બેઠો હતો. કારની ગતિ પૂરઝડપે હોવાના કારણે ચંદ્રભાગા બ્રીજ પાસે ચાલકે કાર પરનો કાબૂ ગુમાવી દીધો હતો, જેથી કાર રોડ પરથી ફંગોળાઈને સીધી નીચે કેનાલમાં ખાબકી હતી. જોકે, કારમાં સવાર બંને મિત્રોનો આબાદ બચાવ થયો હતો અને તેમને માત્ર સામાન્ય ઇજાઓ જ પહોંચી હતી.

આ પણ વાંચો: વૃક્ષારોપણના તાયફા વચ્ચે ગુજરાતમાં 5 વર્ષમાં અઢી લાખ વૃક્ષોનો સફાયો, સરકારી નીતિઓના પાપે રાજ્ય કોંક્રિંટના જંગલમાં ફેરવાયું

પોલીસ કાફલો ઘટનાસ્થળે, ક્રેન વડે કાર બહાર કઢાઈ

અકસ્માતનો જોરદાર અવાજ આવતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ રાણીપ પોલીસ અને ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. કારમાંથી બંને ઇજાગ્રસ્ત મિત્રોને બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેનાલમાં ખાબકેલી કારને ભારે જહેમત બાદ ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. હાલમાં બી ટ્રાફિક પોલીસે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવવા બદલ કારચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.