Surat Hawala Scam: કેન્દ્ર સરકારના 'મેક-ઇન-ઇન્ડિયા' અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન(SEZ)ના પ્રોત્સાહક નિયમોની આડમાં આચરાતું એક મોટું મની લોન્ડરિંગ કૌભાંડ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) વાપીની ટીમે ઝડપી પાડ્યું છે. સુરત SEZમાં આવેલી 'નકલાંગ જવેલર્સ' દ્વારા આચરવામાં આવેલા અંદાજે 2,000 કરોડ રૂપિયાથી વધુના હવાલા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર મોન્ટુ હર્ષદ ગાંધીની ધરપકડ કરવામાં આવી છે.
કાગળ પર 50 ગણી વધુ કિંમત
DRIની તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી મોન્ટુ ગાંધી વિદેશથી હલકી કક્ષાના ડાયમંડની આયાત કરતો હતો. આ હીરાની કિંમત કાગળ પર તેની અસલી કિંમત કરતાં 50 ગણી વધુ દર્શાવી(ઓવર વેલ્યુએશન) તેને એક્સપોર્ટ કરવામાં આવતા હતા. આ પ્રક્રિયા દ્વારા કસ્ટમ્સ ડ્યુટીની ચોરી કરવા સાથે સરકારી સબસિડી અને અન્ય આર્થિક લાભો મેળવવાનો કારસો રચવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: PMની અપીલ બાદ ગુજરાતના રાજ્યપાલ હવાઈ મુસાફરી છોડી ટ્રેન-એસટી બસમાં કરશે મુસાફરી
ડમી પાર્ટનર્સના નામે ચાલતું નેટવર્ક
તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે મોન્ટુ ગાંધી પોતે પડદા પાછળ રહીને 'ડમી પાર્ટનર્સ'ના નામે પેઢીઓ ચલાવતો હતો. ધરપકડ કરાયેલા આરોપીએ કબૂલાત કરી છે કે પેઢીમાં દર્શાવેલા ભાગીદારો માત્ર નામના જ હતા, જ્યારે તમામ આર્થિક વહીવટ અને વિદેશી ખરીદદારો સાથેનું લિંકિંગ મોન્ટુ ગાંધી પોતે જ સંભાળતો હતો.
DRIની કાર્યવાહી અને કોર્ટના રિમાન્ડ
DRIએ લાંબા સમયની વોચ અને મજબૂત ડિજિટલ પુરાવા એકત્ર કર્યા બાદ નવસારીના રહેવાસી મોન્ટુ ગાંધીની ધરપકડ કરી છે. આરોપીને સુરત કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.


