Gujarat

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા

By GS TEAM
14 Jun 20261 min read
સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા

શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠામાં ફરી એકવાર ડ્રેનેજ લાઈનો ચોકઅપ થતાં માર્ગો પર ગટરના ગંદા પાણી ફરી વળ્યા છે.

પરશુરામ ભઠ્ઠાના ગરાસિયા મહોલ્લો અને માળી મહોલ્લા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ લાઈનો વારંવાર ચોકઅપ થવાની સમસ્યા છે. ડ્રેનેજ લાઈનોમાંથી ગંદુ પાણી ઉભરાઈને માર્ગો પર ફરી વળતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે ફરી એકવાર ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે.

રહીશોના જણાવ્યા મુજબ દર મહિનામાં બે વખત આ જ સ્થિતિ સર્જાય છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા માત્ર સળિયા વડે ડ્રેનેજ સફાઈ કરીને હંગામી ઉકેલ લાવવામાં આવે છે, પરંતુ સમસ્યાનો કાયમી નિવેડો લાવવામાં આવતો નથી. નવી પાણી અને ડ્રેનેજની લાઈનો નાખવાનો પ્રશ્ન હજુ જેમનો તેમ છે.

એમણે વધુમાં ઉમેર્યું કે માર્ગો પર ગંદા પાણી ભરાઈ જતાં લોકોને ગટરના પાણી વચ્ચેથી પસાર થવું પડે છે. ડ્રેનેજ લાઈનો ચોકઅપ થવાને કારણે વિસ્તારમાં પાણીની લાઈનોમાં પણ પ્રદૂષિત પાણી મિશ્રિત થઈ રહ્યું છે. અવારનવાર ઉદ્ભવતી આ સમસ્યાને લઈને સ્થાનિક રહીશોએ મ્યુનિ. કોર્પોરેશન સામે નારાજગી વ્યક્ત કરી કાયમી ઉકેલની માગ ઉઠાવી છે.