Gujarat

જિલ્લા પોલીસમાં પગારનો કકળાટ પોલીસ અધિકારીઓ, LRDના પગાર થયા કોન્સ્ટેબલો તેમજ ASI હજી વંચિત

By GS TEAM
14 Dec 20252 mins read
જિલ્લા પોલીસમાં પગારનો કકળાટ  પોલીસ અધિકારીઓ, LRDના પગાર થયા કોન્સ્ટેબલો તેમજ ASI હજી વંચિત

વડોદરા, તા.14 જિલ્લા પોલીસમાં પગાર મુદ્દે કકળાટ શરૃ થઇ ગયો છે. કર્મયોગી પોર્ટલના કારણે લાંબો સમય થવા છતાં પગાર નહી થતાં પોલીસ કર્મચારીઓ હેરાન થઇ ગયા છે. મહત્વની બાબત એ છે કે એલઆરડી અને પોલીસ અધિકારીઓના પગાર કરી દેવાયા પરંતુ કોન્સ્ટેબલો અને એએસઆઇના પગાર હજી થયા નથી.

ઉલ્લેખનીય છે કે સામાન્ય સંજોગોમાં મહિનાના પ્રારંભમાં પોલીસ કર્મચારીઓનો પગાર તેમના બેન્ક એકાઉન્ટોમાં જમા થઇ જતો હોય છે પરંતુ આ મહિને હજી સુધી પગાર જમા નહી થતાં લોનના હપ્તા ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાંક પ્રમાણિક પોલીસ કર્મચારીઓના તો હપ્તા પણ લેપ્સ થઇ ગયા હોય તેવા સંજોગો સર્જાયા હતાં. છેલ્લા ત્રણ દિવસથી પગાર અંગે જિલ્લા પોલીસમાં કકળાટ શરૃ થતા ગઇકાલે ડીએસપી જાતે એકાઉન્ટ બ્રાંચમાં પહોંચ્યા હતાં અને પગારને લગતી કામગીરી સંભાળતા કર્મચારીઓને આડે હાથ લીધા હતાં.

મહત્વની બાબત એ છે કે પોલીસ અધિકારીઓ તેમજ એલઆરડીનો પગાર ગઇકાલે કરી દેવામાં આવ્યો પરંતુ પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઇનો પગાર હજી થયો નથી. આ સંખ્યા ૫૦૦થી પણ વધુ છે. અગાઉ આઇએફએમએસ દ્વારા પોલીસ કર્મચારીઓનો પગાર થતો હતો પરંતુ હવે રાજ્ય સરકારે કર્મયોગી પોર્ટલ મારફતે પગારની નવી સિસ્ટમ અમલમાં મૂકતા વડોદરા જિલ્લા પોલીસમાં મુશ્કેલી શરૃ થઇ ગઇ છે.

મહત્વની વાત એ છે કે વડોદરા જિલ્લામાં ક્લાર્કનું મહેકમ ૩૪ છે તેની સામે માત્ર આઠ જ ક્લાર્ક છે જેના કારણે કેટલાંક પોલીસ કર્મચારીઓ પાસેથી કામ લેવું પડતું હોય છે. આ ઉપરાંત છેલ્લા ઘણા મહિનાઓથી પોલીસ કર્મચારીઓનું ટીએ (ટ્રાન્સપોર્ટ એલાઉન્સ) બિલ પણ મંજૂર થતું નથી. અગાઉ એક કર્મચારી દ્વારા પોલીસ કર્મચારીઓને ધક્કા ખવડાવતા આખરે તે કર્મચારીની ડભોઇ બદલી કરી દેવાઇ છે પરંતુ સ્થિતિ હજી પણ જૈસે થે છે.