Gujarat

બોગસ ડ્રગ્ઝ કેસમાં સંડોવાયેલા રમેશ નાયકની ડિસ્ચાર્જ અરજી નામંજૂર

By GS TEAM
3 Mar 20262 mins read
બોગસ ડ્રગ્ઝ કેસમાં સંડોવાયેલા રમેશ નાયકની ડિસ્ચાર્જ અરજી નામંજૂર

વડોદરા : પંદર કરોડોની ઉઘરાણી કરનારા વ્યક્તિને બોગસ એનડીપીએસના કેસમાં ફસાવવાના ચકચારી બનાવમાં સંડોવાયેલારમેશ નાયકે ડિસ્ચાર્જ અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપીએ પાછળથી પોતાના સોગંદનામાથી ફરી જવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, પોલીસ પેપર્સ અને સાક્ષીઓના નિવેદનો જોતા તેને આ તબક્કે મુક્ત કરી શકાય નહીં.

કેસની વિગત એવી છે કે, વડોદરામાં વર્ષ ૨૦૦૬માં બનેલી એક ઘટનાએ સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચાવ્યો હતો. જી.પી.ટી. કંપની વતી સોમાની બ્રધર્સ પાસે રૃા. ૧૫ કરોડની ઉઘરાણી કરનારા પ્રકાશ પિલ્લાઇને રસ્તામાંથી હટાવવા માટે પોલીસ સાથે મળીને તેને ડ્રગ્સના કેસમાં ફસાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. પોલીસે પ્રકાશ પિલ્લાઇના ઘરે ઘઉંની ગુણીઓમાં નશીલા પદાર્થો પ્લાન્ટ કર્યા હતા.

જો કે, સીઆઇડીની તપાસમાં આખો કેસ બનાવટી હોવાનું સપાટી પર આવતા ત્રણ પીઆઇની ધરપકડ થઇ હતી અને તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.આ ચકચારી બનાવમાં આરોપી રમેશ પાર્થસિંહ નાયકની સંડોવણી પણ  સપાટી પર આવી હતી. આ કેસમાં રમેશ નાયકે ડિસ્ચાર્જ અરજી મૂકતા તેની સુનાવણીમાં બચાવ પક્ષે રજૂઆત કરવામાં આવી હતી કે, જે તે સમયે આરોપી પોલીસ કસ્ટડીમાં હતો અને તેની સામે કોઈ સીધો પુરાવો નથી.જ્યારે સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપીએ પોતે જેલમાં રહીને આ અંગેનું સોગંદનામું કર્યું હતું અને નિર્દોષ વ્યક્તિને ફસાવવાના કાવતરામાં તેની સક્રિય ભૂમિકા હતી.

બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામે માત્ર શંકા નથી પરંતુ ટ્રાયલ ચલાવવા માટે પૂરતા મજબૂત પુરાવાઓ રેકર્ડ પર ઉપલબ્ધ છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, ડિસ્ચાર્જ તબક્કે પુરાવાનું ઊંડાણપૂર્વકનું મૂલ્યાંકન કરવાનું હોતું નથી, પરંતુ માત્ર એટલું જ જોવાનું હોય છે કે પ્રથમ દ્રષ્ટિએ કેસ બને છે કે કેમ.આ કિસ્સામાં પ્રકાશ પિલ્લાઇના નિવેદનો અને અન્ય સાંયોગિક પુરાવાઓ આરોપીની સંડોવણી તરફ સ્પષ્ટ નિર્દેશ કરે છે.ગુનાહિત કાવતરાના ગુના બાબતે કોર્ટે મહત્વનું અવલોકન કર્યું હતું કેએન.ડી.પી.એસ. જેવા ગંભીર પ્રકારના કેસમાં ટ્રાયલ ચલાવવી અનિવાર્ય છે અને ચાર્જ ગ્રાઉન્ડલેસ ગણી શકાય તેમ નથી.