Gujarat

ચકચારી તપન મર્ડર કેસમાં આરોપી સલમાન અને મહેબુબ પઠાણની ડિસ્ચાર્જ અરજી નામંજૂર

By GS TEAM
4 May 20262 mins read
ચકચારી તપન મર્ડર કેસમાં આરોપી સલમાન અને મહેબુબ પઠાણની ડિસ્ચાર્જ અરજી નામંજૂર

વડોદરા : સયાજી હોસ્પિટલની  કેન્ટીન પાસે ગત વર્ષે નવેમ્બર માસમાં પોલીસની હાજરીમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની ઘાતકી હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા બે આરોપીએ ડિસ્ચાર્જ અરજી મૂકતા અદાલતે બન્ને પક્ષની દલીલો તેમજ પુરાવાને ધ્યાને લઇને બન્ને અરજદારની અરજી નામજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદમાં નોંધ્યું હતું કે,કોર્ટે નોંધ્યું હતું કે આરોપીઓની સીધી હાજરી ન હોવા છતાં ગુનાહિત કાવતરામાં તેમની ભૂમિકા અંગે તપાસમાં મહત્વના મુદ્દાઓ સામે આવ્યા છે.

કેસની વિગત એવી છે કે, તા.૧૮ નવેમ્બર ૨૦૨૪ના રોજ મૃતક  તપન પરમાર એસએસજી હોસ્પિટલની કેન્ટીન પાસે હતા ત્યારે બાબર પઠાણ અને તેના સાથીદારોએ જૂની અદાવતમાં હુમલો કરી તપનની હત્યા કરી હતી. આ કેસમાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ કાવતરું રચીને આ ગુનાને અંજામ આપ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા આરોપી સલમાન પઠાણ અને મહેબૂબ પઠાણે અત્રેની અદાલતમાં ડિસ્ચાર્જ અરજી મૂકી હતી.

અરજીની સુનાવણીમાં બચાવ પક્ષે રજૂઆત કરવામાં આવી હતી કે, ચાર્જશીટમાં ચાર્જશીટમાં તેમની સામે કોઈ ચોક્કસ ભૂમિકા નથી, તેઓ ઘટના સ્થળે હાજર નહોતા અને તેમની પાસેથી કોઈ હથિયાર પણ મળી આવ્યું નથી. આથી તેમનડિસ્ચાર્જ કરવા જોઈએ. જ્યારે સ્પેશ્યલ સરકારી વકીલ એન.જે. ભાવસારે દલીલ કરી હતી કે,આ કેસ માત્ર હાજરીનો નથી પણ ગુનાહિત કાવતરાનો છે, જેમાં સંજોગોની સાંકળ આરોપીઓની સંડોવણી દર્શાવે છે.

અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અવલોકન કર્યું હતું કે, ડિસ્ચાર્જ સ્ટેજ પર પુરાવાઓનું ઊંડું મૂલ્યાંકન કરવાનું હોતું નથી.આરોપીઓ સામે અગાઉના ગુનાહિત ઈતિહાસને પણ કોર્ટે ધ્યાને લીધો હતો.અંતે કોર્ટે ઠરાવ્યું હતું કે, માત્ર સીધો હુમલો ન કર્યો હોય તેટલા માત્રથી કાવતરાના કેસમાં આરોપી છૂટી શકે નહીં. આ કેસમાં ૭૧ જેટલા સાક્ષીઓ હોવાથી ટ્રાયલ વગર આરોપીઓને નિર્દોષ છોડી શકાય નહી. ન્યાયાધીશે આરોપીઓની અરજી ફગાવીને તેમની સામે કેસ ચલાવવાનો આદેશ કર્યો હતો.

બન્ને આરોપી ગુનીહીત ભૂતકાળ ધરાવે છે

તપન પરમાર હત્યા કેસમાં ડિસ્ચાર્જ અરજી ફગાવવા પાછળનું સૌથી મહત્વનું પાસું આરોપીઓનું પૂર્વ-આયોજિત ષડયંત્ર અને તેમનો ગુનાહિત ઈતિહાસ રહ્યો છે. ભલે સલમાન અને મહેબૂબ પઠાણ સીસીટીવી ફૂટેજમાં કેન્ટીન પાસે તપનને ચપ્પુ મારતા દેખાતા નથી, પરંતુ ફરિયાદ મુજબ અગાઉ થયેલી મારામારીની અદાવત રાખીને તેઓએ અન્ય આરોપીઓ સાથે મળીને આખું કાવતરું રચ્યું હતું. સરકાર તરફે રજૂઆત થઇ હતી કે,આરોપી સલમાન સામે અગાઉ ૨ અને મહેબૂબ સામે ૧૦ જેટલા ગુના નોંધાયેલા છે, જે તેમનું વર્તન અને ગુનામાં સંડોવણી સ્થાપિત કરવા માટે પૂરતા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, કાવતરાના કેસમાં આરોપીની ફિઝિકલ હાજરી અનિવાર્ય નથી, તેમની સક્રિય સંમતિ અને આયોજન પણ ગુનાનો ભાગ છે, જેની તપાસ ટ્રાયલ દરમિયાન જ થઇ શકે.