Gujarat

ડિપ્લોમા-ITI ના વિદ્યાર્થીઓને કોલેજોમાં જ કોરોના રસી અપાશે

By GS Team
3 Jan 20222 mins read
This article was originally published on 3 Jan 2022
ડિપ્લોમા-ITI ના વિદ્યાર્થીઓને  કોલેજોમાં જ કોરોના રસી અપાશે

અમદાવાદ

કેન્દ્ર સરકારની  જાહેરાત બાદ ગુજરાત સરકાર દ્વારા આવતીકાલે ૩જી જાન્યુઆરીથી ૧૫થી૧૮ વર્ષના વિદ્યાર્થીઓ-બાળકો માટે કોરોનાની રસી આપવાનું શરૃ થનાર છે ત્યારે સ્કૂલોના વિદ્યાર્થીઓને સ્કૂલોમાં જ રસી આપવામા આવનાર હોઈ કોલેજો માટે પણ કોલેજમાં જ કેમ્પ કરી રસી આપવાની સૂચના અપાઈ છે. આરોગ્ય વિભાગે ટેકનિકલ શિક્ષણ કચેરી સહિતની વિવિધ ઉચ્ચ શિક્ષણની કચેરીને પરિપત્ર કરીને કોલેજોના પણ કોઈ વિદ્યાર્થી રસી વગર ન રહી જાય તે રીતનું આયોજન કરવા સૂચના આપી છે.

આરોગ્ય વિભાગ દ્વારા ઉચ્ચ શિક્ષણની અને ટેકનિકલ શિક્ષણની કચેરીઓને પરિપત્ર કરીને સૂચના અપાઈ છે કે ૧૫થી૧૮ વર્ષ વચ્ચે આવતા બાળકોને રસી આપવામા આવનાર છે ત્યારે તમામરી તાબા હેઠળની તમામ ટેકનિકલ-ઉચ્ચ શિક્ષણ કોલેજોના વિદ્યાર્થીઓ માટે પણ રસીકરણનું આયોજન કરવામા આવે.જેમાં ચીફ ડિસ્ટ્રીક હેલ્થ ઓફિસર્સ-મેડિકલ ઓફિસર્સ ઓફ હેલ્થ સાથે મળીને કોલેજોના વિદ્યાર્થીઓનું ૧૦૦ ટકા રસીકરણ કરવાનુ ંરહેશે.સરકારની સૂચનાને પગલે ડાયરેકટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન દ્વારા તમામ સરકારી ડિપ્લોમા કોલેજોને પરિપત્ર કરીને ૩જીથી રસીકરણ માટે પ્રક્રિયા કરવા જણાવાયુ છે.જેમા કોલેજે પોતાના જિલ્લાની આરોગ્ય કચેરીને સંપર્ક કરીને કોઈ પણ એક દિવસે રસીકરણ કેમ્પનું આયોજન કરવાનુ રહેશે અને તે દિવસે મેડિકલ સ્ટાફ દ્વારા કોલેજમાં જ આવીને વિદ્યાર્થીઓને રસી અપાશે.

જો કે કોલેજ વિદ્યાર્થીઓને અગાઉથી જાણ કરીને રસી માટે બોલાવવાના રહેશે.જ્યારે ખાનગી ડિપ્લોમા કોલેજો માટે જીટીયુને જાણ કરવામા આવી છે.જીટીયુ દ્વારા પણ હવે ખાનગી ડિપ્લોમા કોલેજોને પોતાના વિદ્યાર્થીઓને રસી આપવા માટે જિલ્લા આરોગ્ય કચેરી સાથે સંપર્ક કરીને વ્યવસ્થા કરવા જાણ કરાશે.આ ઉપરાંત આ જ રીતે રાજ્યમાં આવેલી તમામ આઈટીઆઈમાં પણ કોલેજ કેમ્પસમાં જ વિદ્યાર્થીઓને રસી આપવામા આવશે.ડિપ્લોમા ઈજનેરી અને આઈટીઆઈમાં ધો.૧૦ પછીના વિદ્યાર્થીઓ ભણતા હોય છે અને તેઓ ૧૫થી૧૮ વર્ષ વચ્ચેના છે.જેઓની સંખ્યા અંદાજે દોઢથી બે લાખ જેટલી છે.સરકાર દ્વારા સ્કૂલોના વિદ્યાર્થીઓની જેમ કોલેજોના વિદ્યાર્થીઓને પણ રસી માટે ૭મીએ મેગા ડ્રાઈવ થનાર છે.૭મીએ સ્કૂલો ઉપરાંત રાજ્યની તમામ કોલેજોમાં રસીકરણ કરાશે અને ૮મી સુધી પ્રથમ ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરવાનો સરકારનો ટાર્ગેટ છે.જો કે હજુ સુધી ડિપ્લોમા કોલેજો-ડીગ્રી કોલેજોને અને આઈટીઆઈ સંસ્થાઓને રસીકરણ માટે કોઈ લેખિત સૂચના આવી નથી.આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ હેઠળની કોલેજોના વિદ્યાર્થીઓ કે જેઓ ૧૮ વર્ષના થયા નથી અથવા તો જે યુનિ.ઓમાં ડિપ્લોમા ચાલે છે તે માટે પણ કોઈ સૂચના હજુ સુધી ઉચ્ચ શિક્ષણમાંથી આવી નથી.