Gujarat

VIDEO| અમદાવાદ: દિલજીત દોસાંજના કોન્સર્ટનો જબરદસ્ત ક્રેઝ, દેશભરમાંથી ઉમટી ફેન્સની ભારે ભીડ, રાણીપથી RTO સુધી ટ્રાફિક જામ

By GS Team
21 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે પ્રખ્યાત સિંગર દિલજીત દોસાંજના કોન્સર્ટનો અનેરો ઉત્સાહ છવાયો છે. દેશભરમાંથી ચાહકો ઉમટી પડ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે પર્સ બહાર મુકાવતા સ્થાનિકોએ પેઈડ સર્વિસ શરૂ કરી. રાણીપથી RTO વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. BRTS, AMTS અને ખાનગી વાહનો ફસાયા, જેના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| અમદાવાદ: દિલજીત દોસાંજના કોન્સર્ટનો જબરદસ્ત ક્રેઝ, દેશભરમાંથી ઉમટી ફેન્સની ભારે ભીડ, રાણીપથી RTO સુધી ટ્રાફિક જામ

Diljit Dosanjh Ahmedabad Concert 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે શનિવારે પ્રખ્યાત સિંગર દિલજીત દોસાંજના ભવ્ય લાઈવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને શહેરમાં જબરદસ્ત ઉત્સાહ અને ક્રેઝ જોવા મળી રહ્યો છે. દિલજીત દોસાંજને લાઈવ સાંભળવા માટે અમદાવાદ ઉપરાંત મુંબઈ, પંજાબ સહિત દેશના ખૂણેખૂણેથી ચાહકો બપોરથી જ સ્ટેડિયમ બહાર ઉમટી પડ્યા હતા. કેટલાક ચાહકોએ દિલજીત અમને સ્ટેજ પર બોલાવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

ગ્રુપમાં વ્યવસ્થિત એન્ટ્રી અને પર્સ સાચવવા સ્થાનિકોની ‘પેઈડ સર્વિસ’

સ્ટેડિયમના અલગ-અલગ ગેટ પર ધક્કામુક્કી કે અવ્યવસ્થા ન સર્જાય તે માટે આયોજકો અને સુરક્ષાકર્મીઓ દ્વારા એક પછી એક લોકોના ગ્રુપને વ્યવસ્થિત રીતે અંદર એન્ટ્રી આપવામાં આવી રહી છે. સુરક્ષાના નિયમોના ભાગરૂપે એન્ટ્રી સમયે પ્રેક્ષકોના પર્સ સહિતની અન્ય વસ્તુઓ સ્ટેડિયમની બહાર મુકાવી દેવામાં આવી રહી છે. આ સ્થિતિ વચ્ચે આજુબાજુના સ્થાનિક રહીશો દ્વારા પેઈડ સર્વિસ હેઠળ પ્રેક્ષકોના પર્સ અને સામાન સાચવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે.

રાણીપ અને વ્યાસવાડીથી RTO વચ્ચે ચક્કાજામના દ્રશ્યો

કોન્સર્ટ માટે ઉમટેલી જંગી ભીડની સીધી અસર શહેરના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલા રાણીપ અને આસપાસના વિસ્તારોના ટ્રાફિક પર જોવા મળી રહી છે. ખાસ કરીને સાંજના સમયે વ્યાસવાડીથી RTO વચ્ચેના માર્ગ તેમજ રાણીપ મેટ્રો સ્ટેશન અને રાણીપ બસ ટર્મિનલ પાસેના રોડ પર વાહનોની લાંબી કતારો લાગતાં ચક્કાજામના દ્રશ્યો સર્જાયા છે.

BRTS, AMTS અને ખાનગી વાહનો એકસાથે અટવાયા

એલિવેટેડ મેટ્રો લાઈન અને રાણીપ મેટ્રો સ્ટેશનની નીચેના ભાગમાં મુસાફરો અને વાહનોની સતત અવરજવર વચ્ચે BRTS અને AMTS બસો, ખાનગી લક્ઝરી બસો, કાર, રિક્ષા અને ટુ-વ્હીલર્સ એકસાથે માર્ગ પર અટવાયેલા જોવા મળી રહ્યા છે. સાંજના પીક અવર્સમાં કોન્સર્ટ તરફ જતા પ્રેક્ષકો અને રોજિંદા મુસાફરો બંને એકસાથે રસ્તા પર હોવાથી વાહનોની ગતિ ધીમી પડી છે અને વાહનચાલકોને ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે.