Vadodara : વડોદરા શહેરના જર્જરિત ભયજનક થઈ ગયેલા કુબેર ભવન બહુમાળી સરકારી ઈમારતની ખુલ્લી જગ્યા કચરાપેટી બની ગઈ છે. એક બાજુ વ્યાપારીઓ અને લોકો પાસેથી કચરો નાખનારા પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે ત્યારે કુબેર ભવન ઈમારતમાં બેસનારા સરકારી અધિકારીઓ કર્મચારીઓ જ જવાબદાર છે છતાં પણ કોર્પોરેશનનું તંત્ર સરકારી વિભાગો સામે દંડનીય કાર્યવાહી કરતાં ખચકાય છે.
એક તરફ મ્યુનિસિપલ કમિશનર અરૂણ બાબુ અને કાઉન્સિલરો સ્વચ્છતા અભિયાન હેઠળ જાતે સફાઈ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કુબેર ભવન ખાતે સરકારી બાબુઓની મોટી બેદરકારી સામે આવી છે. છેલ્લા 6 મહિનાથી અહીં કચરાનું સામ્રાજ્ય સ્થપાયું છે. કચરામાં મોટાભાગે પાણીની બોટલો અને ચાના કપ છે, જે દર્શાવે છે કે ખુદ પીડબલ્યુડી અને સરકારી અધિકારીઓ જ અહીં ગંદકી ફેલાવી રહ્યા છે. આ સાથે જ પરિસરમાં 6થી 7 સરકારી ગાડીઓ ભંગાર હાલતમાં મુકી દેવાઈ છે. આ વાહનો સામાન્ય રિપેરિંગથી ચાલી શકે તેમ હોવા છતાં, નવી ગાડીઓ ખરીદવાના મોહમાં તેને વેડફવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ છે. સૌથી ગંભીર બાબત એ છે કે, તંત્રે આ બિલ્ડિંગને એક વર્ષથી બિલ્ડિંગ ભયજનક જાહેર કરી છે. આમ છતાં, જીવના જોખમે નીચે સરકારી ઓફિસો ધમધમી રહી છે અને સેંકડો અરજદારો અહીં આવે છે. ઉચ્ચ અધિકારીઓ આ સુરક્ષા ક્ષતિ અને સરકારી મિલકતોના દુરુપયોગ પર તાત્કાલિક પગલાં લે તેવી માગ સામાજિક કાર્યકર રાજેશ માળીએ કરી છે.


