Gujarat

જામનગરના મહારાજાની અખંડ રાષ્ટ્રભાવનાનું શિલ્પિત સ્મરણ એટલે સોમનાથનું દિગ્વિજય દ્વાર

By GS TEAM
9 Jan 20262 mins read
જામનગરના મહારાજાની અખંડ રાષ્ટ્રભાવનાનું શિલ્પિત સ્મરણ એટલે સોમનાથનું દિગ્વિજય  દ્વાર

મંદિરના નવનિર્માણમાં જામસાહેબ દિગ્વિજયસિંહજીનું અનેરૂં પ્રદાન : સોમનાથ ટ્રસ્ટની રચના થયા બાદ સૌ પ્રથમ 1 લાખનું દાન આપ્યું : ટ્રસ્ટના પ્રથમ પ્રમુખ બન્યા અને આજીવન આ પદ પર સેવા આપી

જામનગર, : હાલ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરાઇ રહી છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાના અભૂતપૂર્વ પ્રદાન રહ્યું છે.સોમનાથના જીર્ણોદ્ધારમાં તેમનો ફાળો પાયાના પથ્થર સમાન રહ્યો છે.

ભારત આઝાદ થયા બાદ જ્યારે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ લેવાયો, ત્યારે સૌરાષ્ટ્રના રાજપ્રમુખ તરીકે મહારાજા દિગ્વિજયસિંહજીએ માત્ર શાસકની જ નહીં, પણ એક જાગૃત સંસ્કૃતિ રક્ષકની ભૂમિકા ભજવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે તેમણે વહીવટી દ્રઢતા અને નૈતિક સમર્થન પૂરૂં પાડયું હતું. જમીન સંપાદનથી લઈને સુરક્ષા વ્યવસ્થા સુધીની તમામ જટિલ બાબતોમાં તેમણે રાષ્ટ્રીય ગૌરવને અગ્રિમતા આપી હતી.

સોમનાથ મંદિરના નવનિર્માણ માટે જ્યારે 'સોમનાથ ટ્રસ્ટ'ની રચના કરવામાં આવી, ત્યારે રૂપિયા એક લાખનું સૌથી પહેલું દાન આપીને જામ સાહેબે ઉદારતાનો દાખલો બેસાડયો હતો. 8 મે, 1950ના રોજ જામ સાહેબના હસ્તે જ નૂતન મંદિરનો વિધિવત શિલાન્યાસ થયો હતો.તેઓ ટ્રસ્ટના પ્રથમ પ્રમુખ બન્યા અને આજીવન આ પદ પર રહીને સેવા આપી. સોમનાથ મંદિર પરિસરમાં ભવ્યતાથી ઊભેલું દિગ્વિજય દ્વારએ માત્ર પ્રવેશદ્વાર નથી, પરંતુ મહારાજાની અખંડ રાષ્ટ્રભાવનાનું શિલ્પિત સ્મરણ છે.મહારાજા દિગ્વિજયસિંહજીના કાર્યો આજે 'દિગ્વિજય દ્વાર' સ્વરૂપે અડીખમ ઊભા રહીને આવનારી પેઢીઓને રાષ્ટ્રભક્તિ અને સેવાના પથ પર ચાલવાની પ્રેરણા આપી રહ્યા છે.