Get The App

ડીઝલ રૂ।. 95ને પાર, પેટ્રોલ રૂ।. 100 નજીક પહોંચ્યું છતાં વિતરણમાં ધાંધિયા

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
ડીઝલ રૂ।. 95ને પાર, પેટ્રોલ રૂ।. 100 નજીક પહોંચ્યું છતાં વિતરણમાં ધાંધિયા 1 - image

મોંઘવારીથી લોકો ટેવાઈ ગયાઃ 9 દિવસમાં ત્રીજી વખત ભાવ વધારો  : ભાવનગર, અમરેલી, સોમનાથ જિ.માં પેટ્રોલના ભાવ સૌથી વધુઃ રાજ્યમાં પેટ્રોલ સરેરાશ રૂ।. 99નું લિટર તેમાં 20 ટકા ઈથાનોલ

રાજકોટ, : તા. 15 મેથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોંઘવારીનો ડામ આપવાનું શરૂ કરાયું છે અને આજે 9 દિવસમાં જ  3જી વખત ભાવવધારો ઝીંકવામાં આવ્યો હતો. પ્રતિ લિટર પેટ્રોલમાં 86 પૈસા અને ડીઝલમાં 95 પૈસાનો વધારો કરાયો છે. આ વધારા ઉપરાંત તેના ઉપર વસુલાતો વેટ,ટેક્સનો દર પણ વધતો હોય છે. જેના પગલે ડીઝલ રૂ।. 95ને પાર થઈ ગયું છે જ્યારે પ્રતિ લિટર પેટ્રોલ  ભાવનગર, સોમનાથ, અમરેલી જિલ્લામાં પેટ્રોલ રૂ।. 100એ પહોંચી ગયું છે અને રાજકોટ સહિત મોટાભાગના શહેરોમાં રૂ।. 99 અને તેથી વધુ અર્થાત્ રાઉન્ડ ફીગરમાં રૂ।. 100નો ભાવ થઈ ગયો છે. ભાવ વધવા છતાં આજે સૌરાષ્ટ્રમાં તેના વિતરણના ધાંધિયા જારી રહ્યા હતા. 

ઓઈલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલમાં ગત માત્ર 9 દિવસમાં (1) તા. 15 મેના રૂ।.3 નો વધારો કર્યો હતો જે લોકોએ સહન કરી લીધો (2) બાદ  તા. 19મે ગત મંગળવારે સરેરાશ રૂ।. 1નો વધારો ઝીંક્યો અને (3) આજે તા. 23ના 95 પૈસાનો વધારો  ઝીંકી દીધો છે. આમ, એકંદરે નવ દિવસમાં જ પેટ્રોલ-ડીઝલ પ્રતિ લિટર રૂ।. 5 મોંઘા કરી દેવાયેલ છે. 

પેટ્રોલના ભાવે સદી ફટકારી છતાં આ પેટ્રોલ શુધ્ધ મળતું નથી બલ્કે તેમાં 20 ટકા ઈથાનોલ હોય છે જે પેટ્રોલથી સસ્તુ હોય છે. પરંતુ, ભાવ પેટ્રોલના જ વસુલાય છે. એટલું જ નહીં, ઘણા પેટ્રોલપંપો ચાલાકીપૂર્વક આ પેટ્રોલ ખાલી થઈ ગયાનું કહીને ધરાર પાવર કહેવાતું પેટ્રોલ વેચે તેના ભાવ તો લિટરે રૂ।. 10 જેટલા વધારે હોય છે.  તો ડીઝલને મોંઘુદાટ કરવા છતાં આ ઉંચા ભાવે પણ લોકોને સહેલાઈથી મળતું નથી. આમ, પ્રજાજનો ઉપર મોંઘવારી અને છતાં તે મેળવવામાં મૂશ્કેલી એમ બેવડો માર પડયો છે.