'છોટીકાશી' જામનગરમાં અધિક માસ એટલે કે પવિત્ર પુરૂષોત્તમ માસની અમાસનાં દિને શ્રી પુરુષોત્તમજીનાં ભગવાનનાં મંદિરો તથા વિષ્ણુ મંદિરોમાં ભક્તોનો સાગર ઉમટ્યો હતો. એક મહિનાથી સર્જાયેલ ભગવાન વિષ્ણુને સમર્પિત ભક્તિમય વાતાવરણ ચરમ પર પહોંચ્યુ હતું. ગોરમાં ની પૂજા - ભજન કિર્તન, વ્રત,મંદિરોમાં પ્રદક્ષિણા - દિપદાન સહિતનાં ધર્મ કાર્યોથી ભક્તોએ પુણ્ય નું ભાથુ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. જામનગરમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગોરમાંની મૂર્તિઓનાં ઇકો ફ્રેન્ડલી વિસર્જન માટે પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આજે સાંજે પણ વિષ્ણુ મંદિરોમાં ભક્તો ઉમટશે અને ઠાકોરજીનાં શયન સાથે પુરૂષોત્તમ માસનો ભક્તિ ઉત્સવ પૂર્ણ થશે.


