Gujarat
આત્મવિલોપન કરવા આવેલ નિવૃત્ત રેલવે કર્મીની અટકાયત
By GS Team
6 Nov 20192 mins read
This article was originally published on 6 Nov 2019

ભાવનગર, તા. 06 નવેમ્બર 2019, બુધવાર
કોટડાપીઠાના નિવૃત્ત રેલવે કર્મચારીની માગણીઓ ન સંતોષાતા ડીઆરએમને આત્મવિલોપનની ચિમકી આપી હતી જેને લઇ પોલીસ બંદોબસ્તમાં ગોઠવાઇ હતી દરમિયાન આજે સવારે નિવૃત્ત રેલવે કર્મચારી આવી પહોંચતા પોલીસે તેની અટકાયત કરી મામલતદાર સમક્ષ હાજર કર્યા હતા પરંતુ તેઓએ જામીન મેળવવા ઇન્કાર કરતા તેઓને જેલ હવાલે કરી દેવાયા હતાં.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાના અને બાબરા તાલુકાના કોટડાપીઠા ગામના વતની પૂર્વ રેલવે કર્મચારી નાનજીભાઇ રણછોડભાઇ ચાવડા (ઉ.વ.96) ટ્રોલીમેન તરીકે રેલવેમાં નોકરી કરી પોતે સ્વૈચ્છાએ નિવૃત્ત થતા તેઓને રેલવે તંત્રએ તમામ હક્ક હિસ્સા પુરા પાડયા હતાં બાદ રેલવે પાસે વયોવૃધ્ધ નાનજીભાઇએ તેઓનો હક્ક હિસ્સો પરત કરી પેન્શન આપવાની માગ કરી હતી જે અનુસંધાને અવાર નવાર રેલવે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી.
પરંતુ તેઓની માગણી પુરી ન થતા તેઓએ આજે સવારે 10 કલાકથી સાંજના 6 કલાકના અરસા દરમિયાન ડીઆરએમ કચેરી આવી આત્મવિલોપન કરી લેવાની ચિમકી ઉચ્ચારી હતી જેની જાણ રેલવે તંત્રએ બાબરા પોલીસને અને બાબરા પોલીસે બોરતળાવને કરતા આજે સવારથી જ બોરતળાવ પોલીસ અને બાબરા પોલીસ બંદોબસ્તમાં ગોઠવાઇ હતી દરમિયાન 9.30 કલાકના સુમારે વયોવૃધ્ધ રેલવે કર્મચારી આત્મવિલોપન કરવા આવી પહોંચતા પોલીસે તેઓની સમજાવટ સાથે અટકાયત કરી લઇ મામલતદાર સમક્ષ રજૂ કર્યા હતાં પરંતુ નાનજીભાઇએ જામીન મેળવવા ઇન્કાર કરતા તેઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યા હોવાનું બોરતળાવ પોલીસ મથકમાંથી જાણવા મળ્યું હતું.




