Get The App

રાજકોટમાં ચૂંટણીને અનુલક્ષીને 1119 શખ્સો સામે અટકાયતી પગલાં લેવાયાં

Updated: Apr 15th, 2026

GS TEAM

Google News
Google News
રાજકોટમાં ચૂંટણીને અનુલક્ષીને 1119 શખ્સો સામે અટકાયતી પગલાં લેવાયાં 1 - image

3039માંથી 2616 પરવાનાવાળા હથિયારો જમાં

રાજકોટમાં પેરોલ-ફર્લો જમ્પ કરેલા 18 અને વોન્ટેડ 523 આરોપીઓને પકડવા પોલીસની દોડધામ

રાજકોટ: રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને પોલીસે અત્યાર સુધીમાં 1119 શખ્સો સામે અટકાયતી પગલાં લીધા છે. હાલ દરેક પોલીસ મથકમાં અટકાયતી પગલાં લેવાની કામગીરી જોરશોરથી ચાલું છે. 

અગાઉ પોલીસ ચોપડે ચડી ગયેલા આરોપીઓ સામે પોલીસ બીએનએસની કલમ ૧૨૬, ૧૭૦, ૧૩૫, ૧૨૮, ૧૨૫ અને પ્રોહીબિશનની કલમ ૯૩ હેઠળ અટકાયતી પગલાં લઇ રહી છે. ચૂંટણીને અનુલક્ષીને છેલ્લા પખવાડીયામાં તડીપાર અને પાસા હેઠળ પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. 

દર વખતે ચૂંટણીમાં પરવાનાવાળા હથિયારો જમા લેવાની કામગીરી કરવામાં આવે છે. ચૂંટણી પુરી થયાં બાદ હથિયારો પરત આપી દેવામાં આવે છે. શહેર પોલીસ કમિશનરેટમાં કુલ ૩૦૩૯ હથિયારનાં પરવાનેદારો છે. જેમાંથી અત્યાર સુધીમાં ૨૬૧૬ હથિયારો પોલીસે જમા લીધા છે. ૧૧ હથિયારો જપ્ત કર્યા છે. ૪ હથિયારોનાં લાયસન્સ રદ કે કમી કર્યા છે. હજુ ૧૮૦ હથિયારો જમા થયા નથી. 

શહેરમાં પેરોલ-ફર્લો જમ્પ કરેલા ૧૮ આરોપીઓ છે. જેમાંથી છેલ્લા પખવાડીયા દરમિયાન એક પણ આરોપી પકડાયો નથી. શહેરમાં કુલ ૫૨૩ આરોપીઓ વોન્ટેડ છે. જેમાંથી છેલ્લા પખવાડીયામાં માત્ર પાંચ જ આરોપીઓ પકડાયા છે. શહેરમાં આજની તારીખે ૧૦૬૮ આરોપીઓ સામે બીનજામીનલાયક વોરન્ટ ઇશ્યુ થયા છે. જેમાંથી ૧૦૧ વોરન્ટની બજવણી થઇ છે. ૯૨૬ વોરન્ટ હજુ પેન્ડીંગ છે. ૪૧ વોરન્ટ બજી શક્યા નથી. 

શહેરમાં ચૂંટણીને અનુલક્ષીને લિસ્ટેડ બુટલેગર્સ, લિસ્ટેડ ગેમ્બલર્સ અને હિસ્ટ્રીશિટરોને ચેક કરવાની કામગીરી પોલીસ કરી રહી છે. શહેરમાં ૮૮ હિસ્ટ્રીશિટર, ૬૪૪ બુટલેગર અને ૨૦૪ ગેમ્બલર છે. 

રાજકોટમાં પોલીસની આઠ ચેકપોસ્ટ ઉભી કરાઇ

રાજકોટ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને શહેરમાં કુલ ૮ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જ્યાં પોલીસ દરરોજ વાહનો ચેક કરી રહી છે. છેલ્લા પખવાડીયા દરમિયાન પોલીસે ૪૭૩૮ વાહનો ચેક કર્યાનો દાવો કર્યો છે. જોકે એકેય વાહનમાંથી કંઇ વાંધાજનક મળ્યું નથી. 

ચૂંટણીમાં ફરજીયાત દારૂના ધંધાર્ર્થીઓ ઉપર પોલીસે ધોંસ બોલાવવી પડે છે

રાજકોટ: કોઇપણ ચૂંટણીમાં દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે 'ફરજીયાત' ધોંસ બોલાવવી પડે છે. છેલ્લા પખવાડીયામાં રાજકોટમાં પોલીસ દારૂના કેસો કરી રહી છે. અત્યાર સુધીમાં પોલીસે રૂા.૩.૩૭ લાખનો ૨૧૧ લિટર દેશી દારૂ ઝડપી લીધો છે. જ્યારે રૂા.૫.૯૬ લાખની કિંમતનો અંગ્રેજી દારૂ પણ ઝડપી પાડયો છે.