Gujarat

ઉપલેટા પંથકમાં વેણુ અને રૂપાવટી નદીનાં પૂરને લીધે ખેતરોની તબાહી

By GS Team
9 Jul 20201 min read
This article was originally published on 9 Jul 2020
ઉપલેટા પંથકમાં વેણુ અને રૂપાવટી નદીનાં પૂરને લીધે ખેતરોની તબાહી

 કિશાનસભા દ્વારા મામલતદારને આવેદનપત્ર

ઉપલેટા, તા. 9 જુલાઈ, 2020, ગુરૂવાર

તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ઉપલેટા પંથકમાં પસાર થતી વેણુ અને રૂપાવટી નદીમાં આવેલા ઘોડાપૂર અહીંના ખેતરોમાં ફરી વળતાં વાવેતર-પાક પર માઠી અસર પડી હતી. પંથકમાં ફરીથી વાવણી થઈ શકે એ માટે તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી માગણીઓ ઉઠવા પામી છે. 

વેણુના ધસમસતા પ્રવાહોથી જાર, ચરેલિયા, મેરવદર, નાગવદર, વરજાંગજાળિયા,મેખાટીંબી  અને નિલાખાની સીમમાં આવેલા ખેતરો ધોવાઈ ગયા હતા. ઊભા પાકને પણ ભારે નુકસાન થવા પામ્યું હતું. જ્યારે રૂપાવટીના ભારે પૂરથી ખાખીજાળિયા અને ઉપલેટાના સીમ તળની જમીનમાં ધોવાણથી પાક બરબાદ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

વાવેલા પાક ડૂબી જતા બળી જવા પામ્યા હતા.ખેડૂતોને વ્યાપક નુકસાની થતાં તેઓ આર્થિક સંકટમાં ઘેરાઈ ગયા હોવાનું પણ જાણવા મળે છે. કપાસ, એરંડા, તુવેર સહિતના પાકો બળી જવાની પણ ભીતિ ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. 

આ અંગે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે અને નુકસાની અંગે વળતર ચૂકવાવમાં એવી માગણી સાથે ગુજરાત કિશાન સભાના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. બીજી તરફ આ અંગે પોરબંદરના સાંસદ તેમ જ ભાજપ અગ્રણીઓએ પણ પંથકમાં કૃષિ ક્ષેત્રે થયેલી નુકસાનીનો સર્વે કરાવીને ખેડૂતોને વળતર ચૂકવવા માગણી કરી હતી.