Gujarat

NGTના આદેશ છતાં હજુ સુધી ૫૦ ટકા કામગીરી, AMCને પિરાણા લેન્ડફિલ સાઈટ મુદ્દે GPCB એ શોકોઝ ફટકારી

By GS TEAM
28 Feb 20262 mins read
NGTના  આદેશ છતાં હજુ સુધી ૫૦ ટકા કામગીરી, AMCને પિરાણા લેન્ડફિલ સાઈટ મુદ્દે GPCB એ શોકોઝ ફટકારી

અમદાવાદ,શનિવાર,28 ફેબ્રુ,2026

અમદાવાદ શહેરની કચરા માટેની સૌથી મોટી પિરાણાની લેન્ડફિલ સાઈટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના સ્પષ્ટ આદેશ છતાં સાઈટ ઉપરથી કચરાના પહાડને દુર કરવાની મંથરગતિથી કામગીરી ચાલી રહી છે.હજુ સુધી ૫૦ ટકા કામગીરી પુરી કરાઈ છે.કલીમ સીદ્દીકીએ આ અંગે જીપીસીબીમાં રજુઆત કરતા ૮ જાન્યુઆરીએ સ્થળ તપાસ કર્યા પછી કોર્પોરેશનને શોકોઝ ફટકારી છે.સ્થાનિકોના આક્ષેપ મુજબ, રહેણાંક વિસ્તારો તરફ કચરાનુ પ્રમાણ વધી રહ્યુ છે.જયારે નેશનલ હાઈવે તરફનો કચરો દુર કરવામા આવ્યો છે.

કોર્ટના આદેશ મુજબ, પિરાણાનો કચરાનો પહાડ વર્ષ-૨૦૨૧માં જ દુર થઈ જવો જોઈતો હતો.પરંતુ આદેશને છ વર્ષ કરતા વધુ સમય વીતીવા આવ્યા પછી પચાસ ટકા કામગીરી તંત્રે પુરી કરી છે.સ્થાનિકોના કહેવા પ્રમાણે નેશનલ હાઈવે અને પિરાણા તરફ જતા રોડ તરફથી જ કચરો  દુર કરાયો છે.કોર્પોરેશન તંત્ર  માત્ર દેખાવ પુરતી કામગીરી કરી રહયુ છે.તંત્ર દ્વારા હજુ પણ રહેણાંક વિસ્તારો નજીક કચરો ડમ્પ કરવામા આવી રહયો છે.સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રુલ્સ-૨૦૧૬નુ પાલન કરવામા આવતુ નથી.નિયમ મુજબ કચરાનો ડમ્પ રહેણાંક વિસ્તારથી ૨૦૦ મીટર દુર હોવો જોઈએ પરંતુ મેમણનગર અને  સિટીઝન નગર નજીક કચરો નાંખવામા આવી રહયો છે.લેન્ડફિલ સાઈટ દુર કરવા વર્ષ-૨૦૧૭માં ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી દાખલ કરવામા આવી હતી.કોર્ટે વર્ષ-૨૦૧૯માં એક વર્ષમા કચરાની ડમ્પસાઈટને સંપૂર્ણપણે દુર કરવાનો આદેશ આપ્યો હતો.હાઈકોર્ટ ઉપરાંત નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ તરફથી પણ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપવામા આવ્યા હતા.હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી કરનાર અરજદારે મ્યુનિસિપલ કોર્પોરેશનને રહેણાંક વિસ્તારથી ૨૦૦ મીટરનો વિસ્તાર કચરાથી ખાલી કરાવી નિયમોનુ પાલન કરવા અનેક વખત પત્ર લખી રજૂઆત કરી હતી.છતાં નકકર કાર્યવાહી તંત્ર તરફથી કરવામા નહીં આવતા જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી મ્યુનિસિપલ કોર્પોરેશનને  કારણ દર્શક નોટિસ ફટકારી છે.હવે જોવાનુ રહે કે,તંત્ર કયાં સુધીમા કચરાનો ડુંગર દુર કરી શકે છે.