Get The App

નડિયાદ પશ્ચિમમાં ફાયર સ્ટેશન, લાયબ્રેરી, સિટી બસ સેવા સહિતની સુવિધાની માગણી

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદ પશ્ચિમમાં ફાયર સ્ટેશન, લાયબ્રેરી, સિટી બસ સેવા સહિતની સુવિધાની માગણી 1 - image

- વર્ષો જૂની સમસ્યાઓ મુદ્દે નાગરિક સમિતિ મેદાને

- જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજૂઆત : 14 મુદ્દા પર ધ્યાન આપી કામગીરી નહીં કરાય તો આંદોલનની ચીમકી

નડિયાદ : નડિયાદ પશ્ચિમ વિસ્તારના વિકાસમાં અવરોધરૂપ બનતી સમસ્યાઓના નિરાકરણ માટે નડિયાદ મહાનગર નાગરિક સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જન આંદોલનની ચેતવણી આપવામાં આવી છે. પશ્ચિમ વિસ્તારના નાગરિકો લાંબા સમયથી પાયાની જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા પૂરતી ગંભીરતા દાખવવામાં આવતી ન હોવાનો આક્ષેપ સમિતિએ કર્યો છે. આવેદનપત્ર પાઠવતી વખતે નાગરિકોએ વહીવટી તંત્ર સામે ઉગ્ર નારેબાજી કરીને પોતાની માંગણીઓ રજૂ કરી હતી.

નાગરિક સમિતિના જણાવ્યા અનુસાર, અગાઉ કુલ ૧૮ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક પ્રશ્નો ઉકેલાતા પ્રજામાં આશા જાગી હતી. જોકે, હજુ પણ ૧૪ જેટલી મુખ્ય સમસ્યાઓ ઠેરની ઠેર હોવાથી લોકોની હાલાકીમાં વધારો થયો છે. પશ્ચિમ વિસ્તારમાં આકસ્મિક આગની ઘટનાઓ સામે રક્ષણ મેળવવા માટે સ્વતંત્ર ફાયર સ્ટેશનની માંગણી કરવામાં આવી છે. આ સાથે જ ટપાલ સેવાઓ માટે પોસ્ટ ઓફિસ અને વિદ્યાર્થીઓ તેમજ વાચકો માટે જિલ્લા લાયબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરાવવા જણાવાયું છે. શહેરની વાહનવ્યવહારની સુવિધા કથળી રહી છે, તેથી સિટી બસ સેવા પુનઃ શરૂ કરવી અને એસટી સ્ટેન્ડ પર મુસાફરી કરતા નાગરિકો માટે પ્રાથમિક સુવિધાઓ વધારવી તે અનિવાર્ય બન્યું છે. સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત જોખમી બની ગયેલા એવોર બ્રિજના સમારકામનો પ્રશ્ન પણ વહેલી તકે ઉકેલવા માંગ કરાઈ છે.

સ્થાનિક બગીચાઓ અને શોપિંગ સેન્ટરની જાળવણીના અભાવે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. વૈશાલી ગાર્ડન અને તલાટી બાગના નવસર્જનની સાથે વલ્લભનગર શોપિંગ સેન્ટરની કાયાપલટ કરવાની રજૂઆત કરવામાં આવી છે. પશ્ચિમ વિસ્તારના સ્મશાનમાં ખૂટતી સુવિધાઓ અને માર્ગો પર રખડતા ઢોરના ત્રાસને કારણે અકસ્માતનો ભય રહેતો હોવાથી તંત્રને સખત શબ્દોમાં કાર્યવાહી કરવા જણાવાયું છે. સમિતિએ રોજગારલક્ષી મુદ્દાઓ પણ આવેદનમાં વણી લીધા છે. નાગરિકોએ આશા વ્યક્ત કરી છે કે કલેક્ટર દ્વારા આ તમામ ૧૪ મુદ્દાઓ પર ગંભીરતાપૂર્વક ધ્યાન આપીને ઝડપી કાર્યવાહી કરવામાં આવશે, અન્યથા નાગરિકોએ આગામી સમયમાં રસ્તા પર ઉતરીને લડત ચલાવવાની તૈયારી બતાવી છે.