Gujarat

રાંધણગેસના બાટલામાંથી ગેસ કાઢી લેતો ડિલિવરી મેન ઝડપાયો

By GS TEAM
4 Jun 20261 min read
રાંધણગેસના બાટલામાંથી ગેસ કાઢી લેતો ડિલિવરી મેન ઝડપાયો

વરતેજ પોલીસે ગુનો નોંધ્યો

ખુલ્લા પ્લોટમાં સિલિન્ડરમાંથી ગેસ કાઢી સંગ્રહ કરતો હતો

ભાવનગર - બુધેલ-સિદસર જતાં રસ્તે ખુલ્લા પ્લોટમાં બાવળની કાટમાં રાંધણગેસના બાટલામાંથી થોડો થોડો ગેસ કાઢી સંગ્રહ કરતા ડિલિવરી મેનને ભાવનગર એસઓજીએ ઝડપી લઈ વરતેજ પોલીસ મથકમાં જરૃરી ચીજ વસ્તુનો અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

શહેરના ઈસ્કોર ઈલેવન સેક્ટર-૧૧ પાછળ બુધેલ-સિદસર જવાના રસ્તે ખુલ્લા પ્લોટમાં બાવળની કાટમાં પીકઅપ વાહનમાં રાંધણગેસના બાટલા છે અને ગેરરીતિ આચરવામાં આવતી હોવાની બાતમીના આધારે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગૃપે તપાસ કરતા રમેશ સવજીભાઈ બારૈયા (રહે.સુર્યનગર સોસાયટી, કાળિયાબીડ) એજન્સીમાંથી પુરા માપવાળા ગેસના બાટલા લઈ ગ્રાહકોને વેચાણ કરવા જતા રસ્તે ખુલ્લા પ્લોટમાં બાટલાનું કટિંગ કરી પુરા ભરેલા બાટલામાંથી થોડો થોડો ગેસ કાઢી ખાલી બાટલામાં ભરી પોતાની પાસે સંગ્રહ કરતો હોવાનું ખુલતા એસઓજીએ શખ્સ પાસેથી ભારતગેસના ૧૧ અને ઈન્ડેન ગેસના ૧૩ બીલ જેમાથી એક-એક ડિલિવરી કર્યાંની પહોંચ તથા કટિંગ કરતા પડેલા ભારતગેસના ત્રણ અને ઈન્ડેન ગેસના બે મળી કુલ પાંચ બાટલા મળી કુલ રૃ.૯૨૫૦ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લઈ વરતેજ પોલીસ મથકમાં જરૃરી ચીજ વસ્તુનો અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.