Gujarat

નવલખી મેદાનમાં પ્રેમી પંખીડા સામે કાયદાનો રોફ જમાવી પ્રેમીને ઢોર માર મારી મોપેડ સળગાવી દીધું..!

By GS TEAM
7 Nov 20252 mins read
નવલખી મેદાનમાં પ્રેમી પંખીડા સામે કાયદાનો રોફ જમાવી પ્રેમીને ઢોર માર મારી મોપેડ સળગાવી દીધું..!

શહેરના નવલખી મેદાનમાં બેસેલા પ્રેમી પંખીડા સામે કાયદાનો રોફ જમાવી સમાધાનના બહાને પ્રેમીને માર મારી મોપેડસળગાવી નાખવાના કેસમાં રાવપુરા પોલીસે પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

ડભોઈ તાલુકાના મહમદપુરા ગામ ખાતે રહેતો સરફરાજ ગરાસીયા નવાપુરા વિસ્તારમાં આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં કામ કરે છે. તેણે ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈકાલે ગુરુવારે રાત્રે ૮:૪૫ કલાકની આસપાસ હું મારા શેઠની એકટીવા લઈ નવલખી મેદાનમાં હેલિપેડ પાસે મહિલા મિત્ર સાથે બેઠો હતો. તે સમયે બાઈક સવાર ત્રણ અજાણ્યા શખ્સો અમારી પાસે આવી પોલીસનું આઇકાર્ડ બતાવી હું પોલીસમાં છું કહી મારી પાસે લાયસન્સ તથા ગાડીના કાગળો માગ્યા હતા. જે મારી પાસે નહોવાથી સમાધાનના બહાને મેદાનમાં જ નજીક આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે લઈ જઈ મને ડંડા વડે માર માર્યો હતો. હું અને મારી ગર્લફ્રેન્ડ પોતાનો જેમતેમ બચાવ કરી મુખ્ય માર્ગ પરની સોલાર પેનલ સુધી પહોંચ્યા હતા. અને મારા મિત્રોને આ ઘટના અંગે જાણ કરતા તેઓ મદદે આવી પહોંચ્યા હતા. અને સ્થળ પર તપાસ કરતા એકટીવા સળગેલી હાલતમાં જોવા મળ્યું હતું.


પ્રેમી પંખીડાને સમાધાનના બહાને નજીકમાં લઈ જઈ પ્રેમીને માર માર્યો

ફરિયાદી પાસે ગાડીના ડોક્યુમેન્ટ ન હોવાથી ત્રણ પૈકી એક શખ્સ ફરિયાદીની એકટીવા પર પ્રેમી પંખીડાને પાછળ બેસાડી નજીકમાં લઈ ગયો. હતો. જ્યારે અન્ય બે શખ્સો નજીકમાં ઊભા રહ્યા હતા. એક શખ્સે ધાક ધમકી આપી ફરિયાદીને માર માર્યો હતો. ફરિયાદી બચાવ કરી મહિલા મિત્ર સાથે સોલાર પેનલ પાસે પહોંચતા ફરી બે શખ્સોએઘસી આવી ફરિયાદીને મેદાનમાં લઈ જઈ માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.


રાવપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેવની ધરપકડ કરી બાઈક કબજે કર્યું

પોલીસે ગણતરીના કલાકોમાં પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડી બાઈક કબ્જે કર્યું હતું. જેમાં રાવપુરા પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ નિલેશ વનરાજ બારૈયા (રહે- ભૂતડી ઝાંપા, પોલીસ લાઈન) તથા હીરા ઘસવાનું કામ કરતા તેનો ભાણિયો ભૌતિક વલ્લભભાઈભીલ અને ભૌતિકનો મિત્ર ચતુરભાઈ બાળુભાઈ બારૈયા (બંને રહે-ભાવનગર)નો સમાવેશ થાય છે.