Gujarat

ભવન્સ સ્કૂલમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે સંખ્યાબંધ વૃક્ષોનું નિકંદન

By GS TEAM
8 May 20261 min read
ભવન્સ સ્કૂલમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે સંખ્યાબંધ વૃક્ષોનું નિકંદન

વડોદરા,જૂના મકરપુરા પોલીસ સ્ટેશનની સામે આવેલી ભવન્સ સ્કૂલમાં ફૂટબોલ અને ક્રિકેટની રમત માટે એકેડેમી બનાવવા માટે  ગ્રાઉન્ડ તૈયાર કરવા મોટી સંખ્યામાં ઘટાદાર વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે. જેેના કારણે  વૃક્ષો પર માળા બાંધીને રહેતા સંખ્યાબંધ પક્ષીઓના જીવ સામે પણ જોખમ ઊભું થયું છે. 

ભારતીય વિદ્યાભવન ટ્રસ્ટ  હેઠળ ચાલતી ભવન્સ સ્કૂલમાં ક્રિકેટ અને ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. અંદાજે ૩૬ એકરમાં સ્કૂલ કેમ્પસ આવેલું છે. ગ્રાઉન્ડ બનાવવા માટે સંખ્યાબંધ વૃક્ષોને કાપવામાં આવ્યા છે.  વૃક્ષો પર માળા બાંધીને રહેતા પક્ષીઓના બચ્ચા આ સિઝનમાં જન્મ લેતા હોય છે.  તેના કારણે તેઓના જીવ સામે પણ   જોખમ ઊભું થયું  છે. આ અંગે  એડમિનિસ્ટ્રેશન ઓફિસર અમિતભાઇને વાત કરતા  તેમણે જણાવ્યું હતું કે, ઝાડના ટ્રિમિંગ માટે મંજૂરી લીધી છે.  ત્યારબાદ તેમણે જણાવ્યું હતુ ંકે, અમે એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો છે.  જવાબદારી એજન્સીની છે. તેઓની સ્કૂલના કેમ્પસમાં ખોટી  રીતે ઝાડ કપાઇ જવા છતાંય તેઓ તમામ જવાબદારી એજન્સી પર ઢોળી રહ્યા છે. એક અંદાજ મુજબ, અંદાજે ૨૦૦ થી વધુ વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે.  આ અંગે કોર્પોરેશનના અધિકારીને  પૂછતા તેમણે જણાવ્યું હતું કે, અમે કોઇ પરમિશન આપી નથી. આવતીકાલે સ્થળ પર જઇને પંચ કેસ કરવામાં આવશે. ત્યારબાદ જ  ખબર પડશે કે કેટલા ઝાડ કાપી નાખવામાં આવ્યા છે. ત્યારબાદ સંચાલકને નોટિસ આપવામાં આવશે.