Get The App

'તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખી રહ્યા છો...', ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ મામલે હાઇકોર્ટે સરકારને ખખડાવી

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
'તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખી રહ્યા છો...', ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ મામલે હાઇકોર્ટે સરકારને ખખડાવી 1 - image

High Court On Deesa Firecracker Factory Blast Case: ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટથી 21 વ્યકિતના મોત મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. ચીફ સેક્રેટરીએ હાઇકોર્ટમાં સોંગદનામું રજૂ કર્યુ હતુ. તેમણે દુર્ઘટના માટે દોષનો ટોપલો લેબર વિભાગના અધિકારી પર ઢોળ્યો હતો. જેમાં બ્લાસ્ટ માટે 7 અધિકારીની બેદરકારી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર મામલે હાઇકોર્ટે સરકારને ખખડાવતાં જણાવ્યું કે, 'ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટની મોનિટરિંગમાં પણ શું તપાસ કરી તેની કોઈ વાતો કરતા નથી. તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખો છો.' હવે આ મામલે આગામી સુનાવણી સુનાવણી 3જી જુલાઈના રોજ થશે.

ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ મામલે હાઇકોર્ટે સરકારને ખખડાવી

હાઇકોર્ટે સરકારને અનેક સવાલો કરવાની સાથે ટકોર કરી હતી કે, 'તમે દુર્ઘટના બાદ શું તપાસ કરી, કોની સામે પગલા લીધા, કોણ ફેક્ટરીની નિયમિત ચકાસણી નહોતું કરતું...? તમે તમારા વહીવટી વિભાગના કે ગૃહ વિભાગના અધિકારીઓ સામે કોઈ પગલાં કેમ નથી લીધા? 34 ઇન્ડસ્ટ્રી ચાલતી હતી તે કોની રહેમરાહે ચાલતી હતી? તેના પર તમારા અધિકારીઓની કોઈ જવાબદારી નથી? તમે માત્ર બાળમજૂરોની વાત કરો છો, પણ તેના સિવાયના લોકો માટે મામલતદાર કે ગૃહવિભાગના અધિકારીની કોઈ જવાબદારી જ બનતી નથી? તમે કોઈ ઇન્સપેકશન કેમ નથી કર્યું? 38 ફટાકડાની ફેક્ટરી કોની મંજૂરીથી ધમધમતી હતી, તેની તપાસ કેમ નથી કરી?'

ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીના રિપોર્ટ સામે હાઇકોર્ટની નારાજગી 

હાઇકોર્ટે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે રજૂ કરેલા સોંગદનામાને રિજેક્ટ કરી દીધું હતું. જ્યારે ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીના જવાબને પણ અસ્પષ્ટ ગણાવીને તેને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. 

હાઇકોર્ટે ટકોર કરતાં વધુમાં જણાવ્યું કે, 'અમને તમારા ખુલાસા નહીં પણ નક્કર તપાસના કારણો જોઈએ છે. તમે હાઇકોર્ટના આદેશને જાણીજોઈને અવગણી રહ્યા છો. હાઇકોર્ટને જવાબ આપતાં પહેલા વિચારજો. તમે ફટાકડાની ફેક્ટરીને લાયસન્સ આપો છો, તેને ચોક્કસ સમય માટે આપવાનું હોય છે તમે એક વખત આપી દો પછી તપાસ જ નથી કરતા? '

આ પણ વાંચો: VIDEO| અમદાવાદ પ્લેન ક્રેશ: 'વળતરના 1.25 કરોડ મળતા જ જમાઈએ 6 મહિનામાં બીજા લગ્ન કરી લીધા', દીકરી ગુમાવનાર માતાનું આક્રંદ

જો સરકારી અધિકારીઓ પોતાની ફરજ ચોક્સાઈથી નિભાવે તો દુર્ઘટના બને નહીં: હાઇકોર્ટ

તમે ફટાકડાની ફેક્ટરીને લાયસન્સ આપો પછી તેનું સમયાતંરે પાલન થાય છે કે નહીં તેનું નિરીક્ષણ કેમ નથી કરતા? જો સરકારી અધિકારીઓ પોતાની ફરજ ચોક્સાઈથી નિભાવે તો દુર્ઘટના બને જ નહીં.