Sports

VIDEO: વૈભવ સૂર્યવંશીએ જાહેર કર્યું પોતાની તોફાની બેટિંગનું મોટું રહસ્ય, કહ્યું, ‘ખભા પરથી મોટો બોજ હળવો થયો’

By GS Team
25 Nov 20262 mins read
TukuTouch Logo
માત્ર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી છે. તેણે 53 બોલમાં 28 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી ઐતિહાસિક ઈનિંગ્સ રમી. આ દરમિયાન તેણે 28 બોલમાં સૌથી ઝડપી સદી અને 52 બોલમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. IPL 2025 પછી ચર્ચામાં આવેલા વૈભવ હવે ટીમ ઈન્ડિયામાં રમવા માટે ઉત્સુક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: વૈભવ સૂર્યવંશીએ જાહેર કર્યું પોતાની તોફાની બેટિંગનું મોટું રહસ્ય, કહ્યું, ‘ખભા પરથી મોટો બોજ હળવો થયો’

Vaibhav Suryavanshi : માત્ર 15 વર્ષની વયે ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવનાર વૈભવ સૂર્યવંશીએ તોફાની બેટિંગ કરતા 53 બોલમાં 28 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી ઐતિહાસિક ઈનિંગ્સ રમી છે. આ દરમિયાન તેણે લિસ્ટ-A ક્રિકેટમાં સૌથી ઝડપી સદી (28 બોલમાં) અને સૌથી ઝડપી બેવડી સદી (52 બોલમાં) ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. IPL 2025 દરમિયાન ચર્ચામાં આવ્યા બાદથી વૈભવ સતત શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાના દરવાજા ખટખટાવી રહ્યો છે.

માત્ર વ્હાઈટ બોલ નહીં, ટેસ્ટ ક્રિકેટ રમવાનું પણ છે સપનું

સામાન્ય રીતે વૈભવ સૂર્યવંશીની ઓળખ એક વિસ્ફોટક વ્હાઈટ બોલ ફોર્મેટ (વનડે અને T20) ના ખેલાડી તરીકેની રહી છે, પરંતુ આ 15 વર્ષીય યુવા બેટ્સમેન હવે ભારતીય ટેસ્ટ ટીમમાં પણ રમવાની ઈચ્છા ધરાવે છે. વૈભવનું માનવું છે કે તેનામાં મેચની પરિસ્થિતિ અને જરૂરિયાત મુજબ પોતાની રમતમાં ફેરફાર કરવાની પૂરી ક્ષમતા છે. BCCI દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં વૈભવે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે, 'આઈપીએલ બાદ પણ મેં મારા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું ત્રણેય ફોર્મેટમાં રમી શકું છું. હું પરિસ્થિતિ મુજબ મારી રમતને ઢાળી શકું છું અને મારો મારી રમત પર સંપૂર્ણ કાબૂ છે.'

પિચનો મિજાજ પારખીને રમી રેકોર્ડબ્રેક ઈનિંગ્સ

પોતાની આ વિસ્ફોટક બેટિંગ પાછળનું કારણ જણાવતા સૂર્યવંશીએ કહ્યું કે પિચ પરથી બોલરોને કોઈ ખાસ મદદ મળી રહી ન હતી, જેણે તેની આ રેકોર્ડતોડ ઈનિંગ્સમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે વધુમાં ઉમેર્યું કે, 'છેલ્લી બે મેચમાં પણ હું આ જ રીતે રમવાનો પ્રયાસ કરી રહ્યો હતો, કારણ કે હું લાંબા ફોર્મેટમાં એક મોટી ઈનિંગ્સ રમવા માંગતો હતો. પરંતુ જ્યારે મેં પિચ જોઈ, ત્યારે લાગ્યું કે તેનાથી બોલરોને વધારે મદદ નહીં મળે. બોલ બેટ પર ખૂબ જ સારી રીતે આવી રહ્યો હતો, તેથી મેં મારી તાકાત પર ભરોસો રાખીને શોટ્સ રમ્યા.'

ખરાબ ફોર્મનો અંત અને હવે શ્રીલંકા સામેની મેચ પર નજર

વૈભવ સૂર્યવંશીએ નિખાલસપણે સ્વીકાર્યું કે આ રેકોર્ડબ્રેક ઈનિંગ્સથી તેના ખભા પરનો મોટો બોજ હળવો થયો છે. આ અગાઉ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું, તેમજ નેપાળ અને પાકિસ્તાન-A સામેની મેચોમાં પણ તે કોઈ મોટી ઈનિંગ્સ રમી શક્યો ન હતો. જોકે, હવે તે ફરીથી પોતાના જૂના ફોર્મમાં પરત ફર્યો છે. આગામી 26 નવેમ્બરના રોજ શ્રીલંકા સામે રમાનારી મેચને લઈને ક્રિકેટ ચાહકોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેટલો ઉત્સાહ ટીમ ઈન્ડિયા અને ખુદ વૈભવ સૂર્યવંશીમાં છે.