Gujarat

અનેક સરકારી કચેરીઓ ધરાવતા કુબેર ભવનના પાર્કિગમાં લાઇટો બંધ ઃ અસામાજિત તત્વોને મોજ

By GS TEAM
22 Dec 20251 min read
અનેક સરકારી કચેરીઓ ધરાવતા  કુબેર ભવનના પાર્કિગમાં લાઇટો બંધ ઃ અસામાજિત તત્વોને મોજ

વડોદરા, તા.22 વડોદરાના કોઠી વિસ્તારમાં અનેક સરકારી કચેરીઓ ધરાવતી બહુમાળી બિલ્ડિંગ કુબેર ભવનના પાર્કિગ તેમજ બહારની બાજુએ અંધારપટ રહેતા અસામાજિક  તત્વોને મોજ પડી ગઇ છે. આ સ્થળે લાઇટિંગની સુવિદ્યા કરવાની માંગણી છતાં પણ શહેર માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામગીરી કરાતી નથી.

ઉલ્લેખનીય છે કે કુબેર ભવનમાં અનેક સરકારી કચેરીઓ આવેલી છે. આ બહુમાળી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરની બહારનો ભાગ તેમજ પાર્કિગમાં ૧૮ લાઇટો લગાવવામાં આવી હતી. જો કે હાલમાં તમામ લાઇટો બંધ હાલતમાં છે. સાંજ પડતાં જ અંધારપટ છવાઇ જાય છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લાઇટો ચાલુ નહી હોવાથી પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને નુકસાનની પણ અનેક ફરિયાદો થતી હોય છે.

આ ઉપરાંત રાત્રિના સમયે અંધારામાં અનેક અસામાજિક તત્વો આ સ્થળે અંધારામાં ઘૂસી જતા હોય છે. માત્ર ગણપતિ મંદિરની લાઇટ ચાલુ રહે છે જ્યારે બીજી બધી લાઇટો બંધ રહેતા ક્યારે કોઇ ઘટના બને તેવો ભય પણ સેવાઇ રહ્યો છે. માંડ બે લાઇટો ચાલુ હતી તે પણ આજે બંધ થઇ ગઇ છે. કુબેર ભવનની નીચે અંધારપટ દૂર કરવા માટે માર્ગ અને મકાન વિભાગને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી.