Tragedy in Dahod: દાહોદના ગરબાડા પંથકમાં મહા શિવરાત્રિના પર્વની ઉજવણી શોકમાં ફેરવાઈ ગઈ હતી. ગત 15મી ફેબ્રુઆરીના રોજ નીકળેલી શિવજીની શોભાયાત્રા દરમિયાન આગના કરતબ કરતી વેળાએ લાગેલી ભયાનક આગમાં એક વૃદ્ધ ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્યારે ટૂંકી સારવાર બાદ હોસ્પિટલના બિછાને તેમનું નિધન થતા પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે.
કરતબ બતાવતા પેટ્રોલનું કેન પડ્યું અને ભડકો થયો
મળતી માહિતી અનુસાર, ગરબાડામાં મહા શિવરાત્રિ નિમિત્તે ભવ્ય શિવજી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે એક મંડળી દ્વારા આગના જોખમી કરતબો બતાવવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ગામના રમણ રાઠોડ નામના વૃદ્ધ પણ આ ઉત્સાહભર્યું દ્રશ્ય નિહાળવા માટે ત્યાં ઊભા હતા. કરતબ કરનાર યુવક જ્યારે જમીન પર પેટ્રોલથી વર્તુળ બનાવી રહ્યો હતો, ત્યારે અચાનક તેના હાથમાંથી પેટ્રોલનું કેન નીચે પડ્યું હતું. કેન પડતાની સાથે જ પ્રચંડ આગ ભભૂકી ઉઠી હતી.
આ પણ વાંચો: અમદાવાદ-દાહોદ હાઈવે પર ત્રણના મોત! ડિવાઈડર સાથે ટક્કર બાદ SUVના ફૂરચેફૂરચા ઊડ્યાં
આગ લાગતા જ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. અફરાતફરીમાં ધક્કો લાગતા રમણભાઈ સીધા જ આગના ગોળામાં ફેરવાયેલા પેટ્રોલના વર્તુળમાં જઈ પડ્યા હતા. જોતજોતામાં તેઓ આખેઆખા આગની લપેટમાં આવી ગયા હતા. આ સમગ્ર ઘટનાનો ભયાનક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે, જેમાં વૃદ્ધને જીવતા સળગતા જોઈ શકાય છે. આસપાસના લોકોએ તાત્કાલિક આગ બુઝાવી તેમને બચાવવા પ્રયાસ કર્યા હતા.
12 કલાકની સારવાર બાદ 'જંગ' હારી ગયા
ગંભીર હાલતમાં રમણભાઈને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શરીરે મોટાભાગે દાઝી ગયા હોવાને કારણે તેમની સ્થિતિ અત્યંત નાજુક હતી. તબીબોના અથાગ પ્રયત્નો છતાં આજે (17મી ફેબ્રુઆરી) સવારે સારવાર બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હાલ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


