Gujarat

વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ખેંચતાણના કારણે આર્ટસ ફેકલ્ટીમાં મટકી ફોડ કાર્યક્રમની મંજૂરી રદ

By GS Team
18 Aug 20251 min read
This article was originally published on 18 Aug 2025
વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ખેંચતાણના કારણે આર્ટસ ફેકલ્ટીમાં મટકી ફોડ કાર્યક્રમની મંજૂરી રદ

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થી સંગઠનો વચ્ચેની આંતરિક ખેંચતાણમાં સત્તાધીશોએ મટકી  ફોડ કાર્યક્રમ માટે આપેલી પરવાનગી જ રદ કરી દીધી હોવાની વિગતો જાણવા મળી છે.

સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સૌથી પહેલા યુવા શક્તિ ગુ્રપ નામના સંગઠને મટકી ફોડ કાર્યક્રમ ફેકલ્ટીમાં યોજવાની જાહેરાત કરી હતી અને તેની સામે એબીવીપીને વાંકુ પડયું હતું.એબીવીપીએ આ કાર્યક્રમ ના યોજાય તે માટે  ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ધનેશ પટેલ સમક્ષ રજૂઆત કરી હતી.યુનિવર્સિટી સ્તરેથી દબાણ કરાવવાના કારણે આખો કાર્યક્રમ ઘોંચમાં પડયો હતો.ફેકલ્ટી ડીને આજે યોજનારા કાર્યક્રમ માટે પરવાનગી આપી નહોતી.

જોકે એ પછી આજે અધ્યાપકો અને વિદ્યાર્થી સંગઠનો વચ્ચે વાટાઘાટો થઈ હતી.ફેકલ્ટી ડીન પ્રો.કલ્પના ગવલીએ કહ્યું હતું કે,  કાર્યક્રમ ફેકલ્ટી દ્વારા યોજાનાર હતો અને એક સંગઠને ના પાડયા પછી પણ પોતાના પોસ્ટર લગાવ્યા હતા તેમજ તેમાં સ્પોન્સરશિપનો ઉલ્લેખ કર્યો હતો.જેના કારણે કાર્યક્રમ માટે મંજૂરી આપી નહોતી.જોકે હવે ચાર સંગઠનો ભેગા થઈને મટકી ફોડનો કાર્યક્રમ યોજે તે શરતે તા.૨૦મીએ ઉજવણી કરવા માટે મંજૂરી આપવામાં આવશે.