Get The App

અંબાવ ટોલનાકા પાસે ટ્રકે સાઇકલ સવારને ટક્કર મારતા મોત

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
અંબાવ ટોલનાકા પાસે ટ્રકે સાઇકલ સવારને ટક્કર મારતા મોત 1 - image

- પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો 

- ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા પલટી ખાઇ ગઇ, ટ્રક ચાલકને પણ ઇજા 

આણંદ :  આણંદ જિલ્લાના બોરસદ વાસદ હાઇવે માર્ગ ઉપર આવેલા આંકલાવ તાલુકાના અંબાવ ટોલ નજીક પુરપાટ ઝડપે જઈ રહેલી ટ્રકના ચાલકે એક સાઇકલ સવાર વૃદ્ધને ટક્કર મારતા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે આકલાવ પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

 બોરસદના દાવોલ ગામે રહેતા શૈલેષભાઈ ગોહેલના પિતા રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ વહેરાખાડી ખાતે ચણા દાળનો વેપાર કરવા માટે સાયકલ લઈને દરરોજ વહેરાખાડી ખાતે જતા હતા. નિત્યક્રમ મુજબ ગતરોજ પણ તેઓ સવારે સાઇકલ લઈને વહેરાખાડી જવા માટે નીકળ્યા હતા. દરમિયાન તેઓ બોરસદ વાસદ હાઇવે માર્ગ ઉપર આવેલા આંકલાવના અંબાવ ટોલ નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સીએનજી પેટ્રોલ પંપ નજીક એક ટ્રક ચાલકે સાયકલને પાછળથી ટક્કર મારતા રાજેશભાઈ ઉછડીને રોડ ઉપર પટકાયા હતા અને તેઓને બંને પગો ઉપર ગંભીર ઇજા થઇ હતી. સાયકલને ટક્કર માર્યા બાદ ટ્રક ચાલકે પણ સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક પલટી ખાઈ ગઈ હતી અને ટ્રક ચાલકને પણ ઇજા થઇ હતી.

અકસ્માતને પગલે આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા રાજેશભાઈને તુરંત જ ૧૦૮ ઈમરજન્સી વાન મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. આ બનાવ અંગે શૈલેષભાઈ રાજેશભાઈ ગોહેલે આકલાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.