Get The App

ફ્રી મૂવીની લાલચ આપી સસરા-જમાઈ સાથે સાયબર ફ્રોડ

Updated: May 26th, 2026

GS TEAM

Google News
Google News
ફ્રી મૂવીની લાલચ આપી સસરા-જમાઈ સાથે સાયબર ફ્રોડ 1 - image

ભાવનગરમાં સસરા-જમાઈને મૂવી જોવાની લત ભારે પડી

બન્નેના મોબાઈલ હેક કરી ખાતામાંથી રૃ.૧.૨૨ લાખ સાયબર ગઠિયાએ ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધાં

ભાવનગર - ભાવનગરમાં સસરા જમાઈએ ફ્રી મૂવી જોવાની લાલચ આવી જઈ મોબાઈલ ફોનમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતી વખતે તમામ પરમિશન આપતાં જ બંનેના ફોન હેક થઈ ગયા હતા.અને સાસરા જમાઈના બેન્ક એકાઉન્ટમાંથી સાયબર ગઠિયાએ રૃ.૧.૨૨ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા.

ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલી નવજીવન સોસાયટીમાં રહેતા અને નિર્મળનગરમાં પ્રોવિઝન સ્ટોર ચલાવતા વેપારી પરેશભાઈ છગનભાઈ કુવરાણીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ગત ૫ મે ૨૦૨૬ના રોજ તેઓ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રીલ્સ જોઈ રહ્યા હતા, ત્યારે 'ટયુબી ટીવી' નામની એપની એક જાહેરાત આવી હતી, જેમાં ફ્રી મૂવી અને વેબ સિરીઝ આપવાનો દાવો કરાયો હતો. આ લાલચમાં આવીને પરેશભાઈએ પોતાના મોબાઈલમાં તમામ પરમિશન આપીને તે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લીધી હતી અને આ એપ્લિકેશન શરૃઆતમાં ૨થી ૩ દિવસ વ્યવસ્થિત ચાલી હતી. આ એપ્લિકેશન  સસરા પરેશભાઈએ તેમના જમાઈ ધુ્રમિલભાઈ ભાવેશભાઈ પટેલને પણ ફ્રીમાં મૂવી જોવા માટે આ એપ અંગે વાત કરી હતી અને ૮ મે ૨૦૨૬ના રોજ બ્લુટુથ મારફતે આ એપ્લિકેશન જમાઈના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરાવી હતી. એપ ઇન્સ્ટોલ થતાં જ બીજા દિવસે એટલે કે ૯ મે ૨૦૨૬ના રોજ જમાઈ ધુ્રમીલભાઈનો ફોન હેક થઈ ગયો હતો અને તેમના બેંક ખાતામાંથી રૃ.૭૦,૦૦૦ ઓનલાઇન ટ્રાન્સફર થઈ ગયા હતા. નાણાં ઉપડતાં જ જમાઈ ધુ્રમીલભાઈએ સસરા પરેશભાઈને જાણ કરી અને સસરાએ તુરંત પોતાના મોબાઈલમાંથી પણ તે એપ્લિકેશન ડિલીટ કરી નાખી હતી. જોકે, ત્યાં સુધીમાં બીજા જ દિવસે સસરા પરેશભાઈનો ફોન પણ હેક થયો હતો અને સાયબર ગઠિયાએ પરેશભાઈના બેંક એકાઉન્ટમાંથી પણ રૃ.૫૨,૦૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા.આમ સસરા જમાઈને ફ્રી મૂવી જોવાનું ભારે પડયું હતું અને કુલ મળી રૃ.૧.૨૨ લાખનો ચૂનો લગાડયો હતો. આ બનાવ સંદર્ભે પરેશભાઈએ ભાવનગર સાયબર ક્રાઈમ પોલીસમાં અજાણ્યા સાયબર ગુનેગાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૨૮(૪), ૩૧૯(૨) તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી  એક્ટની કલમ ૪૨એ, ૪૩(એફ) અને ૬૬(ડી) મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બ્લુટુથથી જમાઈને એપ મોકલી અને બંને સાથે ફ્રોડ થયું

સસરાને ફી મૂવી જોવાની એપ્લિકેશન મળી અને બેત્રણ દિવસ સસરાએ મુવીની મોજ માણ્યા બાદ જમાઈને બ્લુટુથથી એપ્લીકિશન આપી અને સાયબર ગાંઠિયા બન્નેના ખાતામાંથી રૃપિયા ઉઠાવી ગયા.