Get The App

ફતેગંજમાં પાણી માટે પોકાર, વિષ્ણુકૃપા સોસાયટીના રહીશોનો વિરોધ

અનિયમિત પાણી વિતરણ અને ઓછા પ્રેશરથી નાગરિકો પરેશાન, નવી ટાંકીની માગ ઉઠી

Updated: Mar 25th, 2026

GS TEAM

Google News
Google News
ફતેગંજમાં પાણી માટે પોકાર, વિષ્ણુકૃપા સોસાયટીના રહીશોનો વિરોધ 1 - image

ફતેગંજની વિષ્ણુકૃપા સોસાયટીમાં પાણીની સમસ્યાથી કંટાળી સ્થાનિક રહીશોએ આજે મોટી સંખ્યામાં એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો.

મહિલાઓનું કહેવું છે કે, વિસ્તારમાં માત્ર એક જ વખત અને તે પણ અડધો કલાક પાણી આપે છે, જ્યારે શહેરના અન્ય વિસ્તારોમાં દિવસમાં બે વખત પાણી પૂરું પાડવામાં આવે છે. ઘણી વખત પાણીનું વિતરણ રાત્રે ૧૨ વાગ્યે કરવામાં આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પાણીના ઓછા પ્રેશરના કારણે પૂરતા પ્રમાણમાં મળતું નથી, જેના કારણે રોજિંદા કામકાજમાં અડચણો ઉભી થાય છે. લોકોને અઠવાડિયામાં બે વખત પાણીના ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે. જોકે, ટેન્કર પણ સમયસર મળતા નથી.

સામાજિક કાર્યકરનું કહેવું છે કે, આ સમસ્યા છેલ્લા બે વર્ષથી છે. તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવે છે ત્યારે થોડા સમય માટે પાણીનું પ્રેશર સુધરે છે, પરંતુ પછી ફરીથી સ્થિતિ યથાવત થઈ જાય છે. છેલ્લા ૨૫ દિવસથી તો પાણીનું પ્રેશર ખૂબ જ ઘટી ગયું છે. અંદાજે ૫૦ સોસાયટીના ૧૦ હજારથી વધુ નાગરિકો પરેશાન થઈ રહ્યા છે.ફતેગંજ વિસ્તારમાં સમા અને છાણી પાણીની ટાંકીમાંથી પાણી વિતરણ થાય છે. વિસ્તાર બંને ટાંકીઓના છેવાડે આવતો હોવાથી પ્રેશરની સમસ્યા થતી હોવાની શક્યતા છે.

રહીશોએ હવે ફતેગંજ વિસ્તારમાં નવી પાણીની ટાંકી બનાવવાની માગ ઉઠાવી છે. સાથે જ વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ચૂંટણી અને વેરાનો બહિષ્કારની ચીમકી આપી છે.