Gujarat

કરોડોની જમીન હડપ કરવા પિતા-પુત્રએ બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યા

By GS TEAM
23 Nov 20252 mins read
કરોડોની જમીન હડપ કરવા પિતા-પુત્રએ બનાવટી દસ્તાવેજ તૈયાર કર્યા

અમદાવાદ,રવિવાર

અમદાવાદમાં રહેતા પિતા-પુત્રએ ધોલેરામાં આવેલી કરોડો રૂપિયાની જમીન હડપ કરવાના ઇરાદે નોટરીના બનાવટી સ્ટેમ્પ અને અન્ય દસ્તાવેજ તૈયાર કરીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ક્રાઇમબ્રાંચમાં નોંધવામાં આવી છે. પોલીસ તપાસમાં નોટરીથી માંડીને વિવિધ વિભાગના અધિકારીઓની સંડોવણી બહાર આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

બોપલમાં સ્ટર્લીગં સીટીમાં રહેતા ભાવેશભાઇ પટેલ જમીન લે-વેચ અને ડેવેલોપ કરવાનુ કામ કરે છે. થોડા વર્ષ પહેલા તેમના તેમનો પરિચય ઉજાશ શાહ (રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ, નારણપુરા) અને તેના પિતા સંજય શાહ (રહે. મારૂતિ રૉ હાઉસ,મેમનગર) સાથે થયો હતો. તેઓ જમીન ડેવોલેપ  કરવાની સાથે માર્કેટીંગનું કામ કરતા હતા. ભાવેશભાઇને ધોલેરામાં આવેલી જમીન ડેવેલોપ કરાવીને પ્લોટીંગ કરાવવાનું હોવાથી તેમણે ઉજાશ અને તેના પિતા સંજયભાઇ સાથે કરાર કર્યા હતા.   આ જમીન પર કુલ ૧૭ પ્લોટ તૈયાર કરીને ભાવેશભાઇ દ્વારા  વેચાણ કરાયા હતા.  ભાવેશભાઇએ આ ઉપરાંત, ધોલેરામાં અન્ય  જમીન ખરીદી માટે સોદા કર્યા હતા.  તેના થોડા સમય બાદ  ભાવેશભાઇને જાણ થઇ હતી કે ઉજાશ અને તેના પિતાએ બનાવટી સમજુતી કરાર રજૂ કરીને વાંધો ઉભો કર્યો હતો. આ સમજુતી કરારમાં તેમણે એક તરફી સમજુતી કરાર કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં ભાવેશભાઇએ ખરીદી કરેલી જમીન ઉજાશ અને સજયભાઇને માલિકી હક્ક પેટે આપ્યાનું લખાણ હતુ. જેમાં જમીનના અગાઉના માલિકોના બનાવટી દસ્તાવેજનો ઉપયોગ કર્યો હતો. તેમજ  પિતા-પુત્રએ જમીનના દસ્તાવેજ અન્ય લોકોને કરી આપ્યા હતા. આમ, બંને જણા નોટરી, વકીલ અને અન્ય લોકો સાથે મળીને મોટુ કૌભાંડ આચર્યુ હતું. આ અંગે ક્રાઇમબ્રાંચે વધુ તપાસ શરૂ કરી છે.