Get The App

પીડીપીયુ રોડ પર ધૂમ બાઈકર્સ સામે સપાટો ઃ ૧૦થી વધુ બાઈક ડિટેઇન

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
પીડીપીયુ રોડ પર ધૂમ બાઈકર્સ સામે સપાટો ઃ ૧૦થી વધુ બાઈક ડિટેઇન 1 - image

નિયમ વિરુદ્ધ સાયલેન્સર લગાવી ફટાકડા ફોડતા

મ્યુનિસિપલ કમિશનર અને એસપીની સૂચનાને પગલે પોલીસનું મોડી રાત્રે ઓપરેશન ઃ અવાજ પ્રદૂષણ ફેલાવતા તત્વોમાં ફફડાટ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના અત્યંત વ્યસ્ત અને યુવાનોમાં લોકપ્રિય એવા રાયસણ સ્થિત આઇકોનિક રોડ પર મોડી રાત્રે જોખમી ડ્રાઇવિંગ અને અવાજનું પ્રદૂષણ ફેલાવતા તત્વોને ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશનમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક સમયથી રાયસણ વિસ્તારના આઇકોનિક રોડ પર મોડી રાત્રે બાઈક સ્ટંટ અને મોડિફાઈડ સાયલેન્સરના કર્કશ અવાજોને કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોની ટીમે રાત્રિના આખા રોડ પર ખાસ વોચ ગોઠવી હતી. પોલીસના આ ઓચિંતા સર્ચ ઓપરેશનથી સ્ટંટબાજ બાઈકર્સમાં નાસભાગ મચી ગઈ હતી. તપાસ દરમિયાન પોલીસ દ્વારા અંદાજે ૧૦ થી ૧૨ જેટલી મોડિફાઈડ અને ફેન્સી બાઈકોને સ્થળ પર જ ડિટેન કરવામાં આવી હતી. આ વાહનોમાં આરટીઓના નિયમો વિરુદ્ધના ગંભીર ફેરફારો જોવા મળ્યા હતા. ખાસ કરીને જે બાઈકર્સ દ્વારા કંપની ફિટેડ સાયલેન્સર કાઢીને ગેરકાયદેસર રીતે મોડિફાઈડ સાયલેન્સર લગાવી ફટાકડા જેવા અવાજો કાઢવામાં આવતા હતા. તેમની સામે મેમો આપી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશન દ્વારા જોખમી રીતે બાઈક ચલાવતા ધૂમ બાઈકર્સને ઝડપી પાડી રસ્તાઓ પર શિસ્ત જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગે સ્પષ્ટ ચીમકી આપી છે કે, આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારે સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે અને શાંતિ ભંગ કરનારા તત્વો સામે કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા વગર કડક પગલાં લેવાશે.