Gujarat

વડોદરાના નેશનલ હાઇવે-48 પર ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા પશુઓને બચાવ્યા, બે આરોપીની ધરપકડ

By GS TEAM
26 Dec 20251 min read
TukuTouch Logo
વડોદરાના નેશનલ હાઇવે નંબર 48 પર એ.પી.એમ.સી. માર્કેટ નજીક ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા પશુઓ ભરેલી પીકઅપ ગાડી ઝડપી પાડી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાના નેશનલ હાઇવે-48 પર ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા પશુઓને બચાવ્યા, બે આરોપીની ધરપકડ

Vadodara : વડોદરાના નેશનલ હાઇવે નંબર 48 પર એ.પી.એમ.સી. માર્કેટ નજીક ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા પશુઓ ભરેલી પીકઅપ ગાડી ઝડપી પાડી હતી. આ કાર્યવાહીમાં ગાડીના ચાલક સહિત બે શખ્સોને પકડવામાં આવ્યા હતા. કપુરાઇ પોલીસે બંને આરોપીઓની પશુ અધિનિયમ હેઠળ ધરપકડ કરી છે અને રૂ.36 હજારની કિંમતના પશુઓ તેમજ ગાડી સહિત કુલ રૂ.2.36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. 

મળતી માહિતી મુજબ, ગૌરક્ષા ટીમને ગઈકાલે બાતમી મળી હતી કે, દેણા ગામથી એક પીકઅપ ગાડીમાં પશુઓ ભરી કતલખાને લઈ જવાશે. બાતમીના આધારે ગૌરક્ષકોએ નેશનલ હાઇવે નંબર 48 પર એ.પી.એમ.સી. માર્કેટ પાસે વોચ ગોઠવી હતી. બપોરે આશરે 4 વાગ્યે ટ્રાફિક જામ દરમિયાન શંકાસ્પદ ગાડી નજરે ચડતા તેને સાઈડમાં કરાવવામાં આવી હતી.

તપાસ દરમિયાન ગાડીમાં પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા વગર ખીચોખીચ ભરેલા પાંચ પશુઓ મળી આવ્યા હતા. ગાડી ચાલક જયંતિ સના પઢિયાર (રહે. વલણ ગામ, કરજણ) તથા તેની બાજુમાં બેઠેલો રિઝવાન અયુબ મોઢી (રહે. માકડ ગામ, કરજણ) હોવાનું જાણવા મળ્યું હતું. બંને પાસે પશુ હેરાફેરી અંગેના કોઈ આધાર પુરાવા ન હોવાથી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચીને બંને આરોપીઓની ધરપકડ કરી પશુઓને પાંજરાપોળ ખાતે ખસેડ્યા હતા અને સમગ્ર મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.