વડોદરા : સાંકરદામાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા માટે બીસીએએ વર્ષ ૨૦૦૭માં જમીન ખરીદવા માટે જે એમઓયુ કર્યું હતું તે અંદાજીત ૧૦૦ કરોડની જમીનનો દસ્તાવેજ બીસીએને કરી આપવામાં આવે તે બાબતે કોર્ટમાં દાદ માંગવામાં આવતા અદાલતે આ દાવો સમયસીમા બહારનો હોઇ તેને રદ કરી દીધો હતો. અદાલતના આ ચૂકાદાના કારણે બીસીએને કરોડની જમીન ગુમાવવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે ત્યારે આગામી દિવસોમાં આ કાનુની વિવાદ વધુ લંબાશે તેમ મનાઇ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, બરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ) દ્વારા ક્રિકેટ
સ્ટેડીયમ બનાવવા માટે વડોદરાના સાંકરદા ગામમાં અંદાજે ૪૪.૬૯ લાખ સ્કવેર ફૂટ ખેતીની
જમીન ખરીદવા માટે ૨૪ જુલાઈ, ૨૦૦૭ના રોજ જમીન માલિક (સાંકરદા
સયુક્ત સહકારી મંડળી) અને અન્ય સભ્યો સાથે એક એમઓયુ કરવામાં આવ્યું હતું. આ સોદો
કુલ રૃ. ૮.૨૨ કરોડમાં નક્કી થયો હતો, જેમાંથી બીસીએએ ૫૦ ટકા
રકમ એટલે કે રૃ. ૪.૧૧ કરોડ બાના પેટે ચૂકવ્યા હતા.
કરાર મુજબ, સામાવાળાએ જમીન બિન-ખેતી કરવાની અને જરૃરી
સરકારી મંજૂરીઓ મેળવવાની જવાબદારી લીધી હતી, જે બાદ બાકીની
રકમ ચૂકવી વેચાણ દસ્તાવેજ કરવાનો હતો. જોકે, વર્ષો વીતવા
છતાં મંજૂરીઓ ન મળતા ૨૦૧૩માં નવો કરાર થયો અને જમીન માલિકે વળતર સાથે રૃ. ૮.૨૨
કરોડ પરત કરવાનો ચેક આપ્યો, જે ચેક બેંકમાં જમા કરાવવામાં
આવતા ચેક બાઉન્સ થયો હતો.
ચેક બાઉન્સ થતાં તેની સામે બીસીએએ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ
કરી હતી અને તેમાં ચૂકાદો બીસીએની વિરુદ્ધમાં આવતા તે ચૂકાદા સામે હાલ સેશન્સ
કોર્ટમાં અપિલ કરવામાં આવી છે તે હાલ પેન્ડિંગ છે. દરમિયાનમાં બીસીએએ ૨૦૨૩માં કોર્ટમાં દાવો કર્યો હતો કે,તેમને
સમાચારપત્ર દ્વારા જાણવા મળ્યું કે આ જમીનની કિંમત અંદાજે ૧૦૦ કરોડ જેટલી થાય છે અને આ જમીન અન્ય
કોઇ વ્યક્તિને વેંચવાના પ્રયાસ થઇ રહ્યાં છે.
બીસીએએ દાવામાં રજૂઆત કરી હતી કે, ૨૦૦૭ના એમઓયુ મુજબ
જમીનનો દસ્તાવેજ તેને કરી આપવામાં આવે. આ દાવામાં સામા પક્ષે દલીલ કરી હતી કે આ
દાવો સમય મર્યાદા (લીમીટેશન એક્ટ)થી બહાર છે અને અગાઉ વસૂલાતનો દાવો કરી દીધો
હોવાથી ફરીથી આ દાવો ચાલી શકે નહીં. બન્ને પક્ષની દલીલ અને સાંભળ્યા બાદ કોર્ટે
અવલોકન કર્યું કે બીસીએ એ ૨૦૧૫માં જ નાણાં વસૂલાતનો દાવો કર્યો હતો, ત્યારે જ ત્યારે જ તેમણે જમીનના દસ્તાવેજની માંગણી કરવી જોઈતી હતી. નવ
વર્ષ બાદ કરવામાં આવેલો આ દાવો કાયદાકીય રીતે ટકી શકે તેમ નથી. અંતે, કોર્ટે બીસીએનો દાવો રદ કરવાનો આદેશ કર્યો હતો.
કોર્ટના ચૂકાદા બાબતે બીસીએના સુત્રોએ જણાવ્યું હતું કે, ટ્રાયલ
કોર્ટના ચકાદાને અમે સેસન્સ કોર્ટમાં પડકારીશુ. જ્યારે આ ચૂકાદા બાબતે અરવીંદકુમાર
જાનીએ જણાવ્યું હતું કે, ચેક રિટર્ન કેસમાં પણ તેમની જીત
થયેલી છે અને તેની સામે બીસીએ અપિલમાં ગયું હોઇ તે કેસ હાલ સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે.
(બોક્સ)
સમયસીમા બહારના કેસને જીવંત કરી શકાય નહી ઃ કોર્ટ
કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે, માત્ર
ચતુરાઈપૂર્વક ડ્રાફ્ટિંગ (ક્લેવર ડ્રાફ્ટિંગ) કરીને કોઈ જૂના કે સમયસીમા બહારના
કેસને જીવંત કરી શકાતો નથી. બીસીએએ એવી દલીલ કરી હતી કે ૨૦૨૩માં છાપામાં જાહેરખબર
જોઈ ત્યારે તેમને નવા વિવાદની જાણ થઈ, પરંતુ કોર્ટે કહ્યું
કે મૂળ વિવાદ તો ૨૦૧૪માં ચેક બાઉન્સ થયો ત્યારે જ શરૃ થઈ ગયો હતો. કોર્ટે
ચૂકાદામાં નોંધ્યું કે ન્યાયતંત્રનો સમય બચાવવા માટે આવા પાયાવિહોણા અને કાયદાથી
બાધિત દાવાઓને શરૃઆતમાં જ અટકાવવા જરૃરી છે.


