Get The App

કાસમઆલા ગેંગના સાગરીત હસન ઉર્ફે ઝાંઝરના જામીન કોર્ટે રદ કર્યા

જામીન રદ કરવા જરૃરી છે કારણ કે, આરોપીએ ન્યાયિક પ્રક્રિયાને ગંભીરતાથી નથી લીધી : અદાલત

Updated: May 12th, 2026

GS TEAM

Google News
Google News
કાસમઆલા ગેંગના સાગરીત હસન ઉર્ફે ઝાંઝરના જામીન કોર્ટે રદ કર્યા 1 - image

વડોદરા : સંગઠીત ગેંગ બનાવી હત્યા, હત્યાનો પ્રયાસ તેમજ અપહરણ અને ખંડણી સહિતના અસંખ્ય ગુનાઓ આચરનારી હાહાકાર મચાવનારી કાસમઆલા ગેંગના એક સાગરીતનો ગુજસીટોકના ગુનામાં જામીન પર છુટકારો થયા બાદ તેણે ગુના આચરવાનું શરૃ રાખતા અદાલતે આરોપીના જામીન રદ કર્યાં હતા.ન્યાયાધીશે તપાસ અધિકારીને આરોપીની તાત્કાલિક ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવા આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, ડીસીબી પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૫માં કાસમઆલા ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો હતા અને આ ગેંગના સભ્ય કે, જેની સામે ૨૨ જેટલા ગુના નોંધાયેલા હતા તેવા આરોપી હસન ઉર્ફે ઝાંઝર કાદરમીયા સુન્નીની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ ગુજરાત હાઇકોર્ટે તા.૯ સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ વિવિધ શરતોને આધીન  તેને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્ર્યોે  હતો, જેમાં  આરોપી હસન ઉર્ફે ઝાંઝરને શહેરમાં પ્રવેશ કરવો નહીં અને કાયદો-વ્યવસ્થા જાળવવી સહિતની વિવિધ શરતો રાખવામાં આવી હતી.

જો કે, તા.૧૯ એપ્રિલ ૨૦૨૬ ના રોજ આરોપીએ વગર પરવાનગીએ શહેરમાં પ્રવેશ કર્યો હતો અને ફરિયાદી નાવેદઅલી અંસારીને આંતરીને છરો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા સ્પેશિયલ સરકારી વકીલ રઘુવીર પંડયા મારફતે રાજ્ય સરકારે આરોપીના જામીન રદ કરવાની અરજી કોર્ટમાં કરી હતી. 

અરજીની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, આરોપી કોર્ટના આદેશની ગરિમા જાળવવામાં માનતો નથી અને જેલ બહાર રહી તે ફરી સમાજ માટે જોખમી બની શકે છે. જ્યારે બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે આરોપીને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. જોકે, કોર્ટે રેકોર્ડ પરના પુરાવાઓ ધ્યાને લેતા અવલોકન કર્યું હતું કે, આરોપીએ જામીન માટેની શરતનો ભંગ કર્યો છે અને તેણે  સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો છે. ન્યાયાધીશે વી.કે.પાઠકે આરોપીના જામીન રદ કરતા નોંધ્યું હતું કે,આરોપીના જામીન રદ કરવામાં આવે છે કારણ કે, તેણે  ન્યાયિક પ્રક્રિયાને ગંભીરતાથી લીધી નથી.