સમા - સાવલી રોડ પર કારની અડફેટે બાઇક સવાર દંપતી ઘાયલ : પતિનું મોત

વડોદરા,કારની અડફેટે ઘાયલ દંપતીને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન પતિનું મોત થયું છે. જે અંગે સમા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દુમાડ ગામ રામદેવ ફળિયામાં રહેતા ચિરાગ લક્ષ્મણભાઇ વણકર ગત ૬ તારીખે તેમના માસા ગોવિંદભાઇ ઇશ્વરભાઇ પરમાર (રહે. સત્યનારાયણ સોસાયટી, ટી.પી.૧૩, છાણી જકાતનાકા) ના ઘરે માતા,પિતા તથા બનેવી ઘનશ્યામભાઇ સાથે ગયા હતા.રાત્રે સાડા બાર વાગ્યે ભજન કીર્તન પૂરૃં થતા તેઓ બે બાઇક પર ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન માસાનો દીકરો ઘરની બહાર આવતા ચિરાગ તેની સાથે વાતો કરવા ઊભો રહ્યો હતો. ચિરાગના પિતા લક્ષ્મણભાઇ, માતા મધુબેન તથા બનેવી ઘનશ્યામભાઇ બાઇક પર જતા હતા. રાતે એક વાગ્યે સમા સાવલી રોડ વેમાલી ગામ તરફ જવાના રસ્તા પરથી તેઓ જતા હતા. તે દરમિયાન પાછળથી આવતી એક કારના ચાલકે ટર્ન લેવા જતા બાઇકને ટક્કર મારતા બાઇક સવાર ત્રણેય જણા રોડ પર ફંગોળાઇને પટકાયા હતા. લક્ષ્મણભાઇ તથા તેમના પત્નીને માથા તથા ચહેરાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે સમા - સાવલી રોડની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. દંપતી બેભાન અવસ્થામાં હતું. સારવાર દરમિયાન લક્ષ્મણભાઇનું મોત થતા સમા પોલીસે કાર ચાલક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








