Gujarat

સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિનો આપઘાત

By GS TEAM
12 Feb 20261 min read
સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિનો આપઘાત

- સોનગઢ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી

- આર્મીમાં નોકરી કરતો પુત્ર ભાવનગર કામ સબબ આવ્યો ત્યારે માતા-પિતાએ ગળાફાંસો ખાતા અરેરાટી

સિહોર : સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે સોનગઢ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિહોર તાલુકાના સોનગઢ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા ગુણવંતભાઈ મોહનભાઈ ડાભી (ઉ.વ.૫૫) અને ગીતાબેન ગુણવંતભાઈ ડાભી (ઉ.વ.૫૩)એ આજે સાંજે ૭.૨૦ કલાકના અરસા પહેલાના સમયગાળા દરમિયાન પોતાના ઘરની છતની હુક સાથે દોરડું બાંધી એક દોરડામાં બન્નેએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બાદ બન્નેના મૃતદેહને પીએમ માટે સિહોર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રારંભિત તબક્કે દંપતિએ અગમ્ય કારણોસર જીવન ટુંકાવ્યું હોવાની બાબત સામે આવી હતી. જે મામલે સોનગઢ પોલીસે તપાસ કરતા મૃતક દંપતિને સંતાનમાં બે દિકરી અને એક દિકરો હોય અને દિકરો આર્મીમાં નોકરી કરતો હતો. દિકરો વર્ષ દરમિયાન ત્રણ મહિના જેટલા સમય જ રજામાં ઘરે આવતો હોય અને તેને માતા-પિતાએ રજામાં રોકાઈ જવાનું કહેતા હોય અને આજે તેમના દિકરા કિશોરભાઈ કામ અર્થે ભાવનગર આવ્યા હતા ત્યારે લાગણીને વશ થઈ દંપતિએ આ પગલું ભર્યું હતું. આ અંગે સોનગઢ પોલીસે મૃતક દંપતિના પુત્રના નિવેદનના આધારે અકસ્માતે મોતીની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.