- મધરાત્રિએ બે અજાણ્યા શખ્સો છાપરામાં ત્રાટક્યા
- મહિલાએ બૂમાબૂમ કરતા લૂંટારુઓએ તેમને મોઢા પર માટીનું ઢેફું મારી ઈજા પહોંચાડી, પતિને પણ માર માર્યો
નડિયાદ : માતર તાલુકાના મરાલા ગામે ખેતરમાં છાપરું બનાવી રહેતા એક શ્રમિક પરિવાર પર બે અજાણ્યા શખ્સો મધરાત્રે હુમલો કરી મહિલાના પગમાંથી રૂ.૧૧,૦૦૦ની કિંમતનું ચાંદીનું કડલું લૂંટી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે લીંબાસી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
માતર તાલુકાના મરાલા ગામની સીમમાં શંભુભાઈ રાવજીભાઈ ચુનારા છાપરું બાંધી પરિવાર સાથે રહે છે. સોમવારની સાત્રે આશરે દોઢ વાગ્યાના સુમારે પરિવાર સૂતો હતો ત્યારે બે અજાણ્યા શખ્સો છાપરામાં પ્રવશ્યા હતા. આ તસ્કરોએ શંભુભાઈની પત્ની કોકિલાબેનના પગમાં પહેરેલ આશરે ૨૫૦ ગ્રામ વજનનું ચાંદીનું કડલું કાઢવાનો પ્રયાસ કર્યોે હતો. કોકિલાબેન જાગી જતાં બૂમાબૂમ કરતા લૂંટારુઓએ તેમને મોઢા પર માટીનું ઢેફું મારી ઈજા પહોંચાડી ચાંદીનું કડલું કાઢી લીધું હતું. આ દરમિયાન પત્નીને છોડાવવા પડેલા શંભુભાઈને પણ માથામાં અને પગના ભાગે લાકડીથી માર મારવામાં આવ્યો હતો. જેથી બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, પરંતુ લૂંટારુઓ અંધારાનો લાભ લઈ ચાંદીનું કડલુ વજન ૨૫૦ ગ્રામનું લુટ કરી ખેતરોમાં થઇ નાસી છૂટયા હતા. આ લૂંટની ઘટનામાં ઈજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક લીંબાસીની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ સરકારી દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે શંભુભાઈ રાવજીભાઈ ચુનારાની ફરિયાદના આધારે લીંબાસી પોલીસે ગુનો નોંધી ફરાર થઇ ગયેલા લૂંટારુઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.


