સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી, ક્યાંક 160 તો ક્યાંક માંડ 35 દાવેદારો, બાયોડેટાનો ખડકલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News : સુરત પાલિકાની ચૂંટણી માટે કાઉન્ટડાઉન શરુ થઈ ગયા બાદ ભાજપે ઉમેદવારો શોધવા માટેની પ્રક્રિયાના ભાગરૂપે ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો આવ્યા હતા. જેમાં પહેલા દિવસે વોર્ડ નંબર 1 થી 12ના દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા શરુ થઈ છે. પહેલા જ દિવસે દાવેદારોનો રાફડો ફાટ્યો હોય તેવા દ્રષ્યો ભાજપ કાર્યાલય ખાતે જોવા મળ્યા હતા. જો કે, ભાજપના ગઢ એવા વિસ્તારમાં એક વોર્ડમાં 160 જેટલા દાવેદારો છે, જ્યારે સૌરાષ્ટ્રની વસ્તી ધરાવતા વિસ્તારમાં એક વોર્ડમાં માંડ 35-40 દાવેદારો જોવા મળ્યા છે. જેમાં પાલિકાની ચૂંટણી જીત્યા બાદ AAPમાંથી ભાજપમાં આવેલાનો પણ સમાવેશ થાય છે.
સુરતમાં ભાજપ વતી ચૂંટણી લડવા પડાપડી
સુરત પાલિકાની ચૂંટણી માટે ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે, તેવામાં ભાજપ દ્વારા ઉમેદવારો શોધવા માટેની પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ માટે ભાજપ કાર્યાલય ખાતે આવેલા નિરીક્ષકો પાલિકાની ચૂંટણી લડવા ઇચ્છતા દાવેદારોને સાંભળવા માટે આવ્યા છે. આજે પહેલા દિવસે પાલિકાના વોર્ડ નંબર 1 થી 12 માં ચૂંટણી લડવા ઇચ્છતા દાવેદારોને સાંભળી રહ્યા છે.
આજે શરુ થયેલી આ પ્રક્રિયા દરમિયાન હાલમાં જ ટર્મ પૂરી થઈ છે તેવા કોર્પોરેટરો, સિનિયર કાર્યકરો અને યુવા કાર્યકરોની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી હતી. ભાજપ માટે સૌથી સલામત ગણાય છે તેવા રાંદેર- અઠવા ઝોન જેવા વિસ્તારમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રના પાટીદાર બહુમતીવાળા વિસ્તારમાં દાવેદારો ઓછા છે, હાલ મળતી માહિતી પ્રમાણે ભાજપની બહુમતી વાળા વિસ્તારમાં એક વોર્ડની ચાર ટિકિટ માટે 160 જેટલા દાવેદારો છે જ્યારે સૌરાષ્ટ્રની વસ્તી ધરાવતા વિસ્તારમાં 35 થી 40 દાવેદારો જોવા મળી રહ્યાં છે.
આજે દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા આગામી 3 એપ્રિલ સુધી ચાલશે અને ત્યાર બાદ 120 બેઠકો માટે કેટલાએ દાવેદારી કરી છે તે આંકડો બહાર આવશે. આજની દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા દરમિયાન દાવેદારો નિરીક્ષકો સામે દાવેદારી કર્યા બાદ પોતાની ભલામણો માટે સંગઠનના હોદ્દેદારોને પણ પોતાનો બાયોડેટા આપ્યા હતા.









