Gujarat

ગુજરાત સહિત દેશભરમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો

By GS TEAM
17 Sep 20252 mins read
ગુજરાત સહિત દેશભરમાં કપાસના ઉત્પાદનમાં ઘટાડો

ક્લાઈમેટ ચેન્જ અને વાવેતર ઘટાડાથી કપાસ ઉત્પાદનને માઠી અસર : રાજ્યમાં 2023-24માં 92.48 લાખ, 2024-25માં ઘટીને 71.51 લાખ થયું, દેશમાં ઘટીને 3 કરોડ ગાંસડીની નીચે ઉતર્યું

રાજકોટ, : કપાસિયા તેલ,ખોળથી માંડીને કપડાં પૂરા પાડતો કપાસ ભારતમાં 'સફેદ સોનુ' ગણાય છે. દેશમાં 60 લાખ ખેડૂતો કપાસ પકવે છે અને 5 કરોડ જેટલા લોકો કોટન પ્રોસેસીંગ અને વેપારથી રોજી મેળવે છે.  વિશ્વમાં કપાસ ઉત્પાદનમાં 19 ટકા હિસ્સા સાથે ચીન પછી દ્વિતીય નંબર પર રહેલા ભારતમાં ગત બે વર્ષથી કપાસનું ઉત્પાદન અને વાવેતર ઘટી રહ્યાના નિર્દેશો મળ્યા છે જે માટે ક્લાઈમેટ ચેન્જ પણ એક કારણ ગણાય છે. 

ગુજરાતમાં ઈ.સ. 2023-24માં ખેડૂતોને પ્રતિ હેક્ટર 586 કિલોની ઉપજ મળતા અને વાવેતર પણ 26.83 લાખ હેક્ટરમાં થતા ઉત્પાદન 92.47 લાખ ગાંસડીએ પહોંચ્યું હતું. પરંતુ, ગત વર્ષે વાવેતર ઘટવાની સાથે ઉપજ પણ ઘટતા 71.51 લાખ ગાંસડીનું ઉત્પાદન નોંધાયું છે અને આ વર્ષે સાનુકૂળ ચોમાસુ છતાં વાવેતર જ ઓછુ હોવાથી ઉત્પાદન 73.32 લાખ થવાનો પ્રથમ અંદાજ જાહેર થયો છે. 

રાજ્યમાં આ વર્ષે ખેડૂતોએ કપાસનું વાવેતર ઘટાડીને મગફળીનું વધારી દેતા એક તરફ મગફળીનો વિક્રમજનક 66 લાખ ટન ઉત્પાદનનો અંદાજ છે. આ સામે કપાસનું વાવેતર ગત વર્ષથી પણ ઘટીને 21લાખ હેક્ટર થયું છે. 

આ જ રીતે સમગ્ર દેશમાં કોટનનો વાવેતર વિસ્તાર ઈ.સ. 2019-20માં 134.77 લાખ હેક્ટર હતો તે ઈ. 2023-24માં 126.88 અને ગત વર્ષ 2024-25માં 114.47 લાખ હેક્ટર થયો છે. ઉપજ પણ 437 કિલો ગ્રામ સુધી ઘટી ગઈ છે. જેના પગલે ઈ.સ. 2018-19માં 36.5લાખ ગાંસડી સામે ઈ. 2024-25માં અંદાજિત 294 લાખ ગાંસડી સાથે 3 કરોડની નીચે આંકડો આવી ગયો છે. આ સામે કોટનના વપરાશ 318 લાખ ગાંસડીનો રહ્યો છે.