Gujarat

ટર્મ પુરી થતા પહેલાં કોર્પોરેટરોનો બાંકડા પ્રેમ , આગામી ત્રણ મહિનામાં શહેરમાં ૪૦ હજાર બાંકડા મુકવાનુ આયોજન

By GS TEAM
15 Nov 20251 min read
ટર્મ પુરી થતા પહેલાં કોર્પોરેટરોનો બાંકડા પ્રેમ , આગામી ત્રણ મહિનામાં શહેરમાં ૪૦ હજાર બાંકડા મુકવાનુ આયોજન


અમદાવાદ,શુક્રવાર,14 નવેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલા ૧૯૨ કોર્પોરેટરોની મુદત પુરી થવા આડે હવે ત્રણ મહિનાનો સમય બાકી રહયો છે.ભાજપ,કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોના કોર્પોરેટરોનો બાંકડા પ્રેમ હવે છલકાઈ રહયો છે.કોર્પોરેટર દીઠ બાંકડા માટે મહત્તમ ત્રણ લાખનુ બજેટ ફાળવી શકાય છે. ખાડીયા ભાજપના એક માત્ર કોર્પોરેટરે પાંચ વર્ષમાં તેમના વોર્ડમા એક પણ સ્થળે બાંકડા મુકવા ભલામણ કરી નથી કે તેના માટે બજેટ ફાળવ્યુ.

વર્ષ-૨૦૧૯-૨૦મા ગત ટર્મમા કોર્પોરેટરોએ તેમના વોર્ડમા અલગ અલગ સ્થળે આર.સી.સી. ચાઈના મોઝેક, સ્ટેનલેસ સ્ટીલના બાંકડા મુકવા રુપિયા ૩.૫૫ કરોડનો ખર્ચ કર્યો હતો. હવે પુરી થતી ટર્મમા બાંકડા મુકવા પાછળ અંદાજિત ખર્ચ વધીને રુપિયા પાંચ કરોડથી વધી જવાની સંભાવના હોવાનુ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.બાંકડા ઉપર કોર્પોરેટરના નામની તકતી લગાવવા જે તે કોન્ટ્રાકટર કે એજન્સીને તકતી દીઠ રુપિયા ૮૦૦ વધુ ચૂકવાશે.ગત ટર્મમા હલકી ગુણવત્તાના બાંકડા મુકાયાનો વિવાદ સામે આવતા વિજિલન્સ તપાસ કરાઈ હતી.જે પછી બાંકડા મુકવાનુ બંધ કરાયુ હતુ.આ ટર્મમા વાસણા વોર્ડમાં ૧૩૦૦, રાણીપ વોર્ડમાં ૧૦૦૦ તથા વટવા વોર્ડમાં ૮૦૦થી વધુ બાંકડા મુકવાનુ આયોજન કરાયુ હોવાનુ જાણવા મળ્યુ છે.ખાડીયા ભાજપના કોર્પોરેટર પંકજ બી ભટ્ટે કહયુ, મારા વોર્ડમા આવેલી પોળોના ઓટલા જ બાંકડા છે. આ કારણથી બાંકડા પાછળ બજેટ આપવાના બદલે પ્રાથમિક સુવિધા માટે મે બજેટ આપ્યુ છે.

ઝોન મુજબ કેટલા બાંકડા મુકાશે

ઝોન    સંખ્યા

ઉત્તર   ૨૫૯૯

પૂર્વ    ૧૧૬૪૩

દક્ષિણ  ૩૪૭૯

પશ્ચિમ  ૧૧૯૫૨

ઉ.પ.   ૩૪૭૭

દ.પ.   ૩૧૪૫