Gujarat

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો અજગરી ભરડો : નવા 15 કેસ

By GS Team
31 Jul 20202 mins read
This article was originally published on 31 Jul 2020
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો અજગરી ભરડો : નવા 15 કેસ

અમદાવાદ, તા.30 જુલાઈ, 2020, ગુરૂવાર

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે.  ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૫ કેસ નોધાયા છે. જેમાં ઈડર તાલુકાના ૮, હિંમતનગરમાં ૫ અને તલોદ તથા પ્રાંતિજ તાલુકાના કમાલપુર ગામે કેસ નોધાયો છે. જેના લીધે ગુરૃવારે જિલ્લામાં કોરોના પોઝેટીવ કેસનો કુલ આંકડો ૪૧૨ થઈ ગયો છે.

છેલ્લા ૨૪ કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં જે નવા ૧૫ કેસ નોધાયા છે તેમાં ઈડર તાલુકામાં ૮ કેસ છે. જે પૈકી ઉમેદગઢ ગામમાં રહેતા ૨૫ વર્ષિય યુવક, બુઢેલીમાં ૨૬ વર્ષિય યુવક, લાલોડામાં ૪૬ વર્ષિય પુરૂષ, ચોરીવાડમાં ૪૦ વર્ષિય પુરૂષ, સાંપાવાડામાં ૫૮ વર્ષિય પુરૂષ, મોહનપુરમાં ૭૦ વર્ષિય વૃધ્ધ, જવાનપુરામાં ૩૯ વર્ષિય યુવક અને ભુવેલ ગામમાં ૫૨ વર્ષિય પુરૂષમાં કોરોના પોઝેટીવના લક્ષણો જણાતા તમામને સારવાર માટે ખસેડાયા છે.

હિંમતનગરના કહાનનગર સોસાયટીમાં રહેતા ૫૩ વર્ષિય પુરૂષ, મધુવન પાર્ક સોસાયટીમાં ૪૭ વર્ષિય પુરૂષ, આંબેડકરનગરમાં ૭૧ વર્ષિય મહિલા, સહજાનંદ પાર્કમાં ૧૮ વર્ષિય મહિલા તથા પાણપુર પાટીયામાં ૩૯ વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝેટીવ આવ્યો છે. તથા તલોદની મહાવીર સોસાયટીમાં ૫૪ વર્ષિય પુરૂષ અને પ્રાંતિજ તાલુકાના કમાલપુર ગામના ૬૭ વર્ષિય મહિલાનો રીપોર્ટ પોઝેટીવ આવતા તંત્ર ધ્વારા આ વિસ્તારોને કન્ટેઈમેન્ટ ઝોનમાં ઉમેરી દેવામાં આવ્યા છે. તથા તેમના પરીવારને પણ હોમ કોરોન્ટાઈન કરવાના આદેશ અપાયા છે.

જિલ્લામાં ગુરૂવાર સુધીમાં કોરોના પોઝેટીવ કેસનો આંકડો ૪૧૨ પર પહોચી ગયો છે અને અત્યારે ૧૦૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જોકે ૪૧૨ દર્દીઓ પૈકી ૩૦૪ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં કોરોના પોઝેટીવ કેસની સંખ્યામાં રોકેટ ગતિએ વધી રહી છે અને તંત્ર દ્વારા માસ્ક ન પહેરતા અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઇએ.