Gujarat

રાજકીય કાર્યક્રમોમાં કોરોનાનો ભય નથી લોકો પર લૉકડાઉનના અનેક બંધનો

By GS Team
26 Jul 20202 mins read
This article was originally published on 26 Jul 2020
રાજકીય કાર્યક્રમોમાં કોરોનાનો ભય નથી લોકો પર લૉકડાઉનના અનેક બંધનો

અર્થોપાર્જનની મોટાભાગની પ્રવૃત્તિ વેન્ટિલેટર પર

અમદાવાદ, તા. 26 જુલાઇ, 2020, રવિવાર

અનલોક દરમિયાન દેશ મહામારીમાંથી બહાર આવી રહ્યો હોવાનું આશ્વાસન સરકાર ભલે આપી રહી હોય પરંતુ લોકડાઉન સહિતના અવ્યહારૂ નિર્ણયોના કારણે અત્યારે દેશ અને રાજ્ય પર ભયંકર મહામંદી તોળાઇ રહી છે.

રોજગારી અને દેશને બૌદ્ધિક તાકાત આપતા શાળા-કોલેજો પણ સંક્રમણના ભયથી અત્યારે બંધ કરવામાં આવ્યા હોય. સામાન્ય લોકોને સંક્રમણનો ભય બતાવી તેમના પર અનેક બંધનો અને નિયમો લાદવામાં આવ્યા છે પરંતુ  રાજકીય કાર્યક્રમોમાં ભીડ પણ ઉમટે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનો ભંગ થાય છે. 

લોકડાઉન દરમિયાન ગુજરાતમાંથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન મારફતે 15 લાખથી પણ વધુ શ્રમિકો તેમના રાજ્યોમાં પરત ફર્યા છે, આ ઉપરાંત પગપાળા અને અન્ય રીતે હજારો શ્રમિકો તેમના વતનમાં પહોંચ્યા છે. સરકારના અણઘડ નિર્ણયોના કારણે હજુ પણ ગુજરાતની પરિસ્થિતિ સળગતા અંગારા જેવી છે.

બીજી તરફ ભવિષ્યની રોજગારી અને દેશ માટે બૌદ્ધિક ક્ષમતાનું સર્જન કરતી શાળા-કોલેજો અત્યારે બંધ છે. પરીક્ષા અને નવાં અભ્યાસક્રમોમાં પ્રવેશ સહિતની કામગીરી ્ત્યારે ખોરંભે ચડી છે. પરિસ્થિતિ ક્યારે સામાન્ય થશે તે અંગેની તારીખો સરકાર સતત પાછળ ઠેલી રહી છે.

જો કે લોકડાઉનના બંધનો અને નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે, સંક્રમણની પરિસ્થિતિમાં પણ અહીં રાજ્યસભાની ચૂંટણી, પ્રદેશ અધ્યક્ષની નિમણૂક, રાજકીય કાર્યક્રમો તેમજ પેટાચૂંટણી માટે પાછલાં બારણે તૈયારીઓ પણ થઇ રહી છે. 

લોકડાઉન દરમિયાન કેટલાં લોકોએ રોજગારી ગુમાવી તે અંગેનો કોઇ સર્વે કે અભ્યાસ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો નથી.  કોર્ટોમાં પણ લોકડાઉનની પરિસ્થિતિ હોવાથી રાજ્યના આશરે 88 હજાર વકીલોનો આવકનો સ્ત્રોત બંધ થયો છે અને બાર કાઉન્સિલને આ વકીલોને અન્ય વ્યવસાય કરવની છૂટ આપવાની ફરજ પડી છે.

કોર્ટો માત્ર અરજન્ટ કેસો માટે જ ઉપલબ્ધ હોવાથી ઉદ્યોગો અને નાનાં વેપારીઓના ધંધાને લગતાં સિવિલ કેસો તેમજ અન્ય કેસો પણ પેન્ડીંગ છે. આ સમગ્ર પરિસ્થિતિના કારણે રાજ્ય આર્થિક સ્લોડાઉન તરફ આગળ વધી રહ્યું છે પરંતુ ટેસ્ટિંગ વધારી વ્યવહારૂ નિર્ણયો કરવાની જગ્યો સરકાર રાજકીય હિતો સાચવી અત્યારે નિર્ણયો કરી રહી છે.