Gujarat

સાબરકાંઠામાં કોરોનાનું સંક્રમણ બેકાબુ નવા 14 કેસ, જિલ્લામાં અત્યાર સુધીમાં 365 કેસ

By GS Team
27 Jul 20202 mins read
This article was originally published on 27 Jul 2020
સાબરકાંઠામાં કોરોનાનું સંક્રમણ બેકાબુ  નવા 14 કેસ, જિલ્લામાં અત્યાર સુધીમાં 365 કેસ

અમદાવાદ, તા. 25 જુલાઈ, 2020, રવિવાર

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ એકાએક વધ્યું છે. આજે બીજા દિવસે પણ નવા ૧૪ કેસ નોંધાયા છે. જેમાં ઈડર તાલુકામાં ૬, હિંમતનગર તાલુકામાં ૫ અને પ્રાંતિજમાં ૨ કેસ નોંધાયા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૩૬૫ કેસ નોંધાયા છે. જિલ્લામાં લોકો માસ્ક પહેર્યા વગર અને સોશ્યિલ ડિસ્ટન્ટર્ડ જાળવતા ન હોવાથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તંત્ર દ્વારા કેસ કાબુમાં હોવાના દાવા વચ્ચે દરરોજ કેસો વધી છે અને કન્ટેનમેન્ટની ઝોનની મુલાકાત અને તકેદારી રાખવાની સૂચનાના દાવા વચ્ચે પણ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બેકાબુ થયું છે. જિલ્લામાં મુખ્ય મથક હિંમતનગર શહેર અને તાલુકાની ગંભીર સ્થિતી સર્જાઈ છે. હિંમતનગર તાલુકામાં અત્યાર સુધીમાં કુલ ૧૬૩ કેસ નોંધાયા છે. જે પૈકી શહેરી વિસ્તારમાં ૮૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૮૧ કેસ નોંધાયા છે ત્યારે તંત્ર દ્વારા કોરોનાને કાબુમાં લેવા યોગ્ય પગલા ભરવા જોઈએ તેવી લોકોમાં લાગણી છે. આજે જિલ્લામાં ઈડર તાલુકાના પાનોલમાં ૫૦ વર્ષીય પુરૂષ, રાધે બંગ્લોઝમાં ૫૦ વર્ષીય પુરૂષ, સનસિટીમાં બે કેસ અને ઈડરમાં પણ બે વ્યક્તિ કોરોનામાં સપડાયા હતા. જ્યારે હિંમતનગર તાલુકામાં રાયગઢમાં ૪૫ વર્ષીયર પુરૂષ અને ૮૦ વર્ષીય વૃદ્ધ, પોલો ગ્રાઉન્ડમાં ૭૨ વર્ષીય વૃદ્ધ, ગઢોડામાં ૨૫ વર્ષીય યુવક, મહાવીરનગરમાં ૫૯ પુરૂષ, પ્રાંતિજના કેસરપુરામાં ૨૨ વર્ષીય યુવક અને ૬૦ વર્ષીય પુરૂષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જ્યારે જિલ્લામાં કુલ ૩૬૫ કેસ થતાં કુલ ૧૪૦ કલસ્ટર જાહેર કરાયા છે. ૧૮૨ ટીમો દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. જિલ્લામાં કુલ ૨૪૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અને હાલમાં કુલ ૧૧૦ એક્ટિવ કેસ છે.

તલોદમાં કોલકત્તાથી આવેલા શખ્સને કોરોના

તલોદમાં કેટલાક સમયથી કોરોના વાયરસના કેસ નોંધાતા હવે શહેર સાથે સંકળાયેલા ગામોમાં પણ સંક્રમણની દહેશત વધવા પામી છે. આજે તલોદ નગરની દેસાઈનગર સોસાયટીમાં રહેતા ૩૮ વર્ષના પુરૂષનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તલોદ તાલુકામાં કોરોનાના દર્દીની સંખ્યા ૨૮ ઉપર પહોંચી છે. કલકત્તાથી તલોદ આવેલા જીતેન્દ્રસિંહ રણજીતસિંહ ગોહિલ ઉ.વ. આ. ૩૮ ને કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતાં હિંમતનગર કોવિડ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. દર્દી જીતેન્દ્રસિંહના સંપર્કમાં આવેલા કુલ ૩૬ વ્યક્તિઓને હોમ કવોરન્ટાઈન કરાયા છે.

દેસાઈનગરના કુલ ૧૨ મકાનોના વિસ્તારોને કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જ્યાં ૧૪ દિવસ સુધી આરોગ્ય વિભાગની ટુકડીઓ સર્વેલન્સ અને મોનીટરીંની કામગીરી સંભાળશે.

આજે મધ્યાહન ટાણે સાબરકાંઠા જિલ્લા કલેકટર સી.જે. પટેલએ તલોદ તાલુકાના કોરોના બાબતે હરસોલ અને તલોદના કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને કામગીરીની સમીક્ષા કરીને સલામતી જાળવવા સલાહ આપી હતી.