Gujarat

જામનગર જિલ્લામાં કોરોનાના કેસ ઘટ્યા: પરંતુ મૃત્યુનો દર યથાવત

By GS Team
4 Feb 20222 mins read
This article was originally published on 4 Feb 2022
જામનગર જિલ્લામાં કોરોનાના કેસ ઘટ્યા: પરંતુ મૃત્યુનો દર યથાવત

- જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં ચાર દર્દીઓએ દમ તોડયો

જામનગર :  જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં ધીમેધીમે ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ મૃત્યુનો દર યથાવત્ રહ્યો છે. આજે છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેર અને ગ્રામ્યના ૬૩ કેસ નોંધાયા છે, જેની સામે ૨૨૧ દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરાયા છે. જોકે કોરોના ના કારણે ૪ દર્દીઓના મૃત્યુ થયા છે. જેથી હજુ પણ લોકોએ સાવચેત રહેવું જરૂરી છે. જી.જી.હોસ્પિટલમાં કુલ ૬૯ દર્દીઓ સારવાર હેઠળ છે, જે પૈકી ૧૩ દર્દીને વેન્ટિલેટર પર રખાયા છે.

જામનગર શહેર અને જિલ્લામાં ગઇકાલથી કોરોનાને કેસનો આંકડો ધીમેધીમે ઘટી રહ્યો છે. જેમાં જામનગર શહેરના ૪૯ જ્યારે ગ્રામ્ય ના ૧૩ સહિત કુલ ૬૩ પોઝિટિવ કેસ નોંધાયા છે, જેની સામે જામનગર શહેરના ૧૭૮ દર્દીને કોરોના મુક્ત જાહેર કરાયા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના ૪૩ સહિત કુલ ૨૨૧ દર્દીઓ કોરોના મુક્ત થયા છે.

જોકે મૃત્યુનો દર યથાવત રહ્યો છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના કોવિડ વિભાગમાં સારવાર મેળવી રહેલા જામનગરના બેડેશ્વર વિસ્તારમાં રહેતા બાલુભા રામસંગજી રાઠોડ નામના ૫૯ વર્ષ ના દર્દીનું કોવિડ હોસ્પિટલ માં સારવાર દરમિયાન ગઈકાલે બપોરે મૃત્યુ નિપજયું છે. તે જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલ ગામના ઝીણાભાઈ ઉકાભાઇ ગામી નામના ૬૫ વર્ષીય વયોવૃદ્ધ દર્દીનું પણ કોરોના ની સારવાર દરમિયાન જી.જી. હોસ્પિટલના બિછાને બપોરે મૃત્યુ નિપજયું છે.

ઉપરાંત જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા જામનગરના લાખોટા મિગ કોલોનીમાં રહેતા પન્નાબેન પ્રણવભાઈ ગાંધી (ઉમરવાડા ૭૫)નું કોરોના ની સારવાર દરમિયાન ગઇકાલે મોડી રાત્રે મૃત્યુ નિપજયું છે. તે જ રીતે જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા મગનભાઈ પોપટભાઈ વાળા નામના ૮૦ વર્ષ ના દર્દીનું પણ આજે પરોઢીયે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન જી.જી. હોસ્પિટલના બિછાને કોરોના ના કારણે ૪ દર્દીઓના મૃત્યુને લઈને શહેરમાં ભયનો માહોલ ફેલાયો છે, અને લોકોએ સાવચેત રહેવું જરૂરી છે.

આ ઉપરાંત જામનગર ની સરકારી જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં ૧૦૦થી વધુ દર્દીઓ દાખલ હતા, જેમાં પણ રિકવરી રેટ સારો રહ્યો છે, અને સાજા થયેલા દર્દીઓને રજા આપી દેવામાં આવી હોવાથી હાલ માત્ર ૬૯ દર્દી દાખલ છે, જેમાં ૬૪ દર્દી કોરોના પોઝીટીવ છે. જ્યારે ત્રણ દર્દીને કોરોનાના શંકાસ્પદ દર્દી ગણી સારવાર અપાઇ રહી છે.હજુ પણ ૧૩ દર્દી વેન્ટિલેટરની મદદથી સારવાર મેળવે છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૨૩૬૭ કોવિડ પરીક્ષણ કરાયા હતા, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૧,૨૪૩ પરીક્ષણ કરાયા છે, અને સમગ્ર જિલ્લામાં કુલ ૩,૬૦૦ લોકોનું પરીક્ષણ કરાયું છે. જેમાં ૬૩ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.