ગુજરાત સેન્ટ્રલ યુનિ.માં છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાશે, 662 ડિગ્રીઓ અને 53 ગોલ્ડ મેડલ એનાયત કરાશે

વડોદરાઃ વડોદરા સ્થિત કેન્દ્ર સરકારની ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ તા.૧૫ નવેમ્બરના રોજ યુનિવર્સિટી કેમ્પસમાં સાંજના પાંચ વાગ્યાથી યોજાશે.જેમાં યુનિવર્સિટીના ચાન્સેલર હસમુખ અઢિયાની સાથે મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપશે.
યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો.રમાકાંત દુબેએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે, ગાંધીનગર ખાતેથી કેમ્પસને વડોદરા નજીક કુંઢેલા પાસે ખસેડવામાં આવ્યા બાદ પહેલી વખત અહીંયા પદવીદાન સમારોહ યોજાવા જઈ રહ્યો છે.કેમ્પસ સ્થળાંતરની પ્રક્રિયાના કારણે અગાઉના વર્ષમાં પણ સમારોહ યોજાયો નહોતો.જેના કારણે બે વર્ષના વિદ્યાર્થીઓને ડિગ્રી અને ગોલ્ડ મેડલ એનાયત કરાશે.સમારોહમાં ૬૨૨ સ્ટુડન્ટસને ડિગ્રી મળશે અને ૫૬ સ્ટુડન્ટસને ગોલ્ડ મેડલ અપાશે.ડિગ્રી મેળવનારાઓમાં ૧૧૦ બેચલર, ૪૨૮ માસ્ટર અને ૧૨૦ પીએચડી સ્ટુડન્ટસ છે.કુલ મળીને ૩૧૪ છોકરીઓ અને ૩૪૮ છોકરાઓને ડિગ્રી પ્રાપ્ત થશે.આમ ડિગ્રી મેળવવામાં છોકરા- છોકરીઓનું પ્રમાણ ૫૦ ટકા જેટલું છે પણ ગોલ્ડ મેડલ મેળવનારાઓમાં છોકરીઓ આગળ નીકળી ગઈ છે.૩૩ વિદ્યાર્થિનીઓને ગોલ્ડ મેડલ અને ૨૦ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થનાર છે.








