Gujarat

એક તરફ ભાજપના કોર્પોરેટર્સનું રખડતાં ઢોર ન પકડવા દબાણ તો બીજી બાજુ કમિશનરનો આદેશ, અધિકારી અસમંજસમાં

By GS TEAM
3 Oct 20252 mins read
TukuTouch Logo
અમદાવાદ શહેરના વિવિધ રોડ પર રખડતા પશુઓના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી પર સુનાવણી ચાલી રહી છે. હાઈકોર્ટના કડક વલણ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ બુધવારે અધિકારીઓ સાથે બેઠક યોજીને આ મુદ્દે સખત નારાજગી વ્યક્ત કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

એક તરફ ભાજપના કોર્પોરેટર્સનું રખડતાં ઢોર ન પકડવા દબાણ તો બીજી બાજુ કમિશનરનો આદેશ, અધિકારી અસમંજસમાં

Stray Cattle Controversy: અમદાવાદ શહેરના વિવિધ રોડ પર રખડતા પશુઓના મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી પર સુનાવણી ચાલી રહી છે. હાઈકોર્ટના કડક વલણ વચ્ચે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ બુધવારે અધિકારીઓ સાથે બેઠક યોજીને આ મુદ્દે સખત નારાજગી વ્યક્ત કરી હતી.

સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કમિશનરે ઢોર ત્રાસ અંકુશ વિભાગના ઉપરી અધિકારીને એક સપ્તાહમાં તમામ જાહેર રસ્તાઓ પરથી રખડતા પશુઓને પકડવા અને જરૂર જણાય તો પશુપાલકોના કોર્પોરેશન દ્વારા અપાયેલા લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત, ગેરકાયદેસર જણાતા પશુઓને રાખવાના વાડાઓ પણ તોડી પાડવાનો આદેશ અપાયો છે.

ભાજપના કોર્પોરેટરોનું દબાણ: ટીમ મૂંઝવણમાં

જોકે, રખડતા ઢોર પકડવાની કામગીરીમાં એક ચોંકાવનારી બાબત સામે આવી છે. સત્તાધારી પક્ષ ભાજપના જ અમુક કોર્પોરેટરો દ્વારા તેમના વોર્ડમાં રખડતા પશુઓ પકડવા જતી ટીમને કામગીરી ન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

કમિશનરના આદેશનો અમલ કરવા જતી ટીમને આ કોર્પોરેટરો તરફથી તેમના વોર્ડમાં પશુઓ પકડાશે તો 'પરિણામ સારું નહીં આવે' તેવી ગર્ભિત ચીમકીઓ પણ આપવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. આ પરિસ્થિતિમાં ઢોર ત્રાસ અંકુશ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ 'શું કરવું અને શું ન કરવું' તેની મૂંઝવણમાં મુકાઈ ગયા છે.

છ મહિનામાં સૌથી વધુ ફરિયાદો ક્યાંથી?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જુલાઈ-2023થી 'કેટલ ન્યુસન્સ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ પોલીસી' હેઠળ રખડતા પશુઓને લગતી ઑનલાઈન ફરિયાદો મળી છે. છેલ્લા છ મહિનામાં સૌથી વધુ ફરિયાદો આ વિસ્તારોમાંથી મળી છે:

પશ્ચિમ ઝોન (નારણપુરા, નવા વાડજ, રાણીપ): 223 ફરિયાદો

ઉત્તર ઝોન (બાપુનગર, નરોડા, કુબેરનગર): 213 ફરિયાદો

ઉત્તર-પશ્ચિમ ઝોન (ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા): 142 ફરિયાદો

પૂર્વ ઝોન (અમરાઈવાડી, હાટકેશ્વર): 110 ફરિયાદો

જો કામગીરી નહીં થાય તો ઠપકાની દરખાસ્ત

બુધવારે મળેલી કોર્પોરેશનની હેલ્થ અને સોલિડ વેસ્ટ કમિટીની બેઠકમાં પણ રખડતા ઢોરનો મુદ્દો ચર્ચાયો હતો. કમિટીના ચેરમેન જશુભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે જો સી.એન.સી.ડી. વિભાગ દ્વારા રખડતા પશુઓ પકડવાની કામગીરી કરવામાં નહીં આવે, તો આગામી બેઠકમાં વિભાગના ઉપરી અધિકારી સામે ઠપકાની દરખાસ્ત લાવવા સુધીની સૂચના આપવામાં આવી છે.