વોર્ડ નં.6નાં વ્હોટ્સએપ ગ્રુપે રાજકીય ગરમાવો વધાર્યો : પોતાનો મોબાઈલ હેંગ થઈ ગયાના દાવા સાથે કાર્યકરે પોલીસને અરજી આપી તપાસ માગી : પણ વિરોધીઓમાં અનેક ચર્ચાઓ
જૂનાગઢ, : જૂનાગઢ શહેર ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી આંતરિક ખેંચતાણ વચ્ચે વોટ્સએપ ગ્રુપમા ગત રાતે મુકાયેલી એક લિન્કે રાજકીય ગરમાવો લાવી દીધો છે. શહેર ભાજપના સંગઠનમાં લાંબા સમયથી જૂથવાદ અને વિવાદોની પરંપરા ચાલી રહી છે, ત્યારે વોર્ડ નં.6ના સત્તાવાર વોટ્સએપ ગ્રુપમાં બિભત્સ લિન્ક મુકાતાં પક્ષની છબી ખરડાઈ હોવાની ચર્ચા વ્યાપી છે.
ગઈકાલે મોડી રાત્રે જ્યારે શહેર ભાજપના વોર્ડ નં.6ના કાર્યકરો અને હોદ્દેદારોના ગ્રુપમાં તમામ સભ્યો સક્રિય હતા ત્યારે એકાએક એક કાર્યકરના મોબાઈલ નંબર પરથી બિભત્સ કન્ટેન્ટ ધરાવતી લિંક શેર કરવામાં આવી હતી. આ મેસેજ જોતા જ ગ્રુપમાં જોડાયેલા અન્ય કાર્યકરો અને આગેવાનો ચોંકી ઉઠયા હતા. તુરંત જ અન્ય સભ્યોએ આ પ્રકારના મેસેજ ન મુકવા અને ગ્રુપની ગરિમા જાળવવા માટે ટકોર કરી હતી. જેમના નંબર પરથી મેસેજ થયો હતો તે કાર્યકરે તુરંત સ્પષ્ટતા કરી હતી કે આ મેસેજ તેમણે જાણીજોઈને કર્યો નથી. તેમનો દાવો છે કે તેમનો મોબાઈલ હેંગ થઈ ગયો હતો અથવા કોઈ ટેકનિકલ ખામીને કારણે આ લિંક આપમેળે શેર થઈ ગઈ હતી. પોતાની નિર્દોષતા સાબિત કરવા અને આક્ષેપોથી બચવા માટે કાર્યકરે તાત્કાલિક ધોરણે જૂનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. તેમણે પોલીસને તપાસ કરવા વિનંતી કરી છે કે તેમના ફોન સાથે છેડછાડ થઈ છે કે કેમ, જેથી પક્ષમાં તેમની પ્રતિષ્ઠા પર દાગ ન લાગે.
આ ઘટનાથી બળતામાં ઘી હોમવા જેવી સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢ ભાજપમાં આ ઘટના માત્ર એક ટેકનિકલ ભૂલ તરીકે જોવામાં આવતી નથી તેના પાછળના કારણો ગંભીર છે. એક તો સંગઠનમાં આંતરિક ડખો છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. જૂનાગઢ ભાજપમાં હોદ્દેદારો અને જૂના-નવા કાર્યકરો વચ્ચે શીતયુધ્ધ ચાલી રહ્યું છે. વિરોધી જૂથો આ ઘટનાને પક્ષની શિસ્તના મુદ્દે જોડીને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ જગાવી રહ્યા છે


