Get The App

વડોદરાથી મુંબઈ પોર્ટ વચ્ચે કન્ટેનરોની હેરફેરમાં પંદર દિવસ લાગી રહ્યા છે

Updated: May 22nd, 2026

GS TEAM

Google News
Google News
વડોદરાથી મુંબઈ પોર્ટ વચ્ચે કન્ટેનરોની હેરફેરમાં પંદર દિવસ લાગી રહ્યા છે 1 - image

વડોદરાઃ ખાડી યુધ્ધના કારણે પરેશાન ઉદ્યોગો માટે પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે.વડોદરા શહેરમાંથી ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરતા ઉદ્યોગોના કન્ટેનરની નવી મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટ પરથી હેરફેરમાં પહેલા કરતા બમણો સમય લાગી રહ્યો છે.પહેલા પાંચ દિવસમાં કન્ટેનર પહોંચી જતા હતા અથવા તો ઈમ્પોર્ટ થયેલી વસ્તુઓના કન્ટેનર વડોદરા આવી જતા હતા.તેની જગ્યાએ હવે દસ થી પંદર દિવસનો સમય થઈ રહ્યો છે.

વડોદરાના ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરનારાઓના સંગઠન એક્ઝિમ ક્લબે જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટીને આ મુદ્દે એક પત્ર લખીને રજૂઆત કરીને ડિટેન્શન અને ડેમરેજ ચાર્જ જતો કરવા માગ કરી છે.સંગઠનનું કહેવું છે કે, ઈમ્પોર્ટ થતા કન્ટેનર પોર્ટ પર ઉતરે તે પછી તેને પોર્ટની ટ્રકોમાં કન્ટેનર ફ્રેટ સ્ટેશન સુધી લાવવામાં આવે છે.જ્યાંથી કન્ટેનરને ક્લીયરન્સ  મળે તે પછી વડોદરા સહિત જે સ્થળોના કન્ટેનર હોય ત્યાં ટ્રાન્સપોર્ટરોની ટ્રકમાં પહોંચાડાય છે.એક્સપોર્ટ થતી વસ્તુઓના કન્ટેનરો પણ આ જ રીતે પહોંચે છે.જોકે પોર્ટ પાસે અત્યારે ટ્રકો અને ડ્રાઈવરોની અછત ચાલી રહી છે.કન્ટેનરોને પોર્ટથી કન્ટેનર ફ્રેટ સ્ટેશન સુધી પહોંચતા જ એક સપ્તાહનો સમય લાગી રહ્યો છે.જેના કારણે ઉદ્યોગોને પોર્ટનું અને કન્ટેનરોનું વધારાનું ભાડુ ચૂકવવું પડે છે તો બીજી તરફ કન્ટેનરોની હેરફેરમાં પંદર દિવસ થઈ જાય છે.સંગઠનના કહેવા અનુસાર પત્ર લખ્યા બાદ પણ હજી સુધી  સ્થિતિ સુધરી નથી.જેના કારણે ઉદ્યોગો નુકસાન વેઠી રહ્યા છે.જો આ જ પ્રકારે કન્ટેનરોનો ભરાવો ચાલુ રહ્યો તો જહાજો જ પોર્ટ પર આવવાનો ઈનકાર કરી દેશે અને ઈમ્પોર્ટ એક્સપોર્ટ જ ખતરામાં પડી જશે.

મુંદ્રા પોર્ટથી કન્ટેનરો વડોદરા પહોંચવામાં પણ વિલંબ

એક્ઝિમ કલબના પ્રમુખ કૌશલ ગુપ્તાનું કહેવું છે કે, વડોદરાના ઉદ્યોગોની આયાત નિકાસ મુખ્યત્વે નવી મુંબઈ પોર્ટ અને ગુજરાતના મુંદ્રા પોર્ટ થકી થાય છે.મુંદ્રા પોર્ટ પરથી કન્ટેનરોની હેરફેરમાં હજી કોઈ સમસ્યા નથી પણ  આ કન્ટેનરોને વડોદરા પહોંચવામાં પહેલા એક દિવસ લાગતો હતો અને હવે ત્રણ દિવસ લાગે છે.કારણકે મુંદ્રા પોર્ટ જ્યાં આવેલુ છે તેની આસપાસના વિસ્તારમાં ડિઝલની અછત છે.ટ્રક ડ્રાઈવરો સાથે થયેલી વાતચીત પ્રમાણે દરેક ટ્રકને ૧૦૦ લિટર ડિઝલ આપવામાં આવે છે.જ્યાંથી ભરાવીને વડોદરા પહોંચવા માટે રસ્તામાં અન્ય જગ્યાએ ટ્રક ડ્રાઈવરોને ડિઝલ ભરાવવાનો વારો આવી રહ્યો છે.જોકે વડોદરાથી મુંદ્રા પોર્ટ સુધી કન્ટેનરો પહોંચાડવામાં કોઈ સમસ્યા નડી રહી નથી.

ટ્રક ડ્રાઈવરો વતન જતા રહ્યા 

એક્ઝિમ ક્લબે કરેલી રજૂઆત બાદ મુંબઈ પોર્ટે આપેલા વળતા જવાબમાં સ્વીકાર્યું છે કે, અત્યારે પોર્ટ પર ટ્રક અને ડ્રાઈવરોની અછત છે.એક્ઝિમ ક્લબના હોદ્દેદારોનું કહેવું છે કે, પોર્ટના પોતાના ટ્રક ડ્રાઈવરો વતન જતા રહ્યા છે અને તેની પાછળનું એક કારણ રાંધણ ગેસની અછત પણ છે.આ ડ્રાઈવરો જાતે ખાવાનું બનાવતા હતા પણ રાંધણ ગેસની તંગી અને ગેસના  સિલિન્ડરના કાળાબજારના કારણે તેમનો ખર્ચ વધી ગયો છે.