Gujarat

ઘોઘાના સ્થાપત્ય સાથે મળતું આવતું કૃષ્ણનગર હેરિટેજ વાવનું બાંધકામ

By GS Team
10 Feb 20202 mins read
This article was originally published on 10 Feb 2020
ઘોઘાના સ્થાપત્ય સાથે મળતું આવતું કૃષ્ણનગર હેરિટેજ વાવનું બાંધકામ
ભાવનગર, તા. 10 ફેબ્રુઆરી 2020, સોમવાર

રાજા-રજવાડાના વખતમાં ભાવનગરને પાણીની સમસ્યા ન નડે તે માટે વાવ, કૂવા, તળાવનું બાંધકામ થયું હતું. ભાવનગરના દુરોગામી મહારાજાએ આપેલી આવી ઐતિહાસિક ધરોહરને જાળવણીમાં પ્રજા-તંત્રની ઘોરબેદરકારીને કારણે જળસંચયના મર્યાદિત સ્ત્રોત થઈ ગયા છે. ત્યારે હાલની જરૂરિયાત અને ખાસ કરીને ઉનાળામાં પાણીની થતી સમસ્યાને નિવારવા માટે સામાજિક અને ખાનગી સંસ્થાઓ દ્વારા સરકારી તંત્રને સાથે રાખી વોટર હાર્વેસ્ટીંગના પ્રોજેક્ટ શરૂ કરાયા છે. જમીનમાં પાણી ઉતરે અને પાણીના તળ ઉંચા આવે તેવા આશય સાથે શહેરના સંસ્કાર મંડળ પાસે કરવામાં આવેલા ખોદકામ દરમિયાન પોણી બે સદી પૂરાણી ઐતિહાસિક વાવ મળી આવી હતી.


શહેરના સંસ્કાર મંડળ, ખોડિયાર મંદિરની પાછળ રેલવેની જગ્યામાં બે વર્ષ પૂર્વે રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા અમૃસમ્ જળસંચય અભિયાન હેઠળ ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. વરસાદનું પાણી જમીનમાં ઉતરે તેવા આશયથી આરંભાયેલી ખોદકામની કામગીરી દરમિયાન રજવાડા વખતની એક વાવ મળી આવી હતી. આ વાવની જાળવણીમાં થયેલી બેદરકારીને કારણે કાદવ-કીચડમાં વાવ બુરાઈ ગઈ હોય, રોટરી ક્લબના પ્રોજેક્ટ ચેરમેન રૂહીબેન માંકડા, પ્રેસિડેન્ટ રાકેશ કનાડા વગેરે સભ્યોની જહેમત સાથે કાદવ-કીચડ સાફ કરાવી વાવને ખુલ્લી કરવામાં આવી હતી.

ખોદકામ સમયે કૃષ્ણનગર વાવ મળી આવતા આ અંગેની જાણ રેલવે તંત્રને કરાઈ હતી. ત્યારબાદ રેલવેના સહકારથી કૃષ્ણનગર હેરિટેજ વાવનું પુનરોધ્ધાર અને સંરક્ષણનું કામ હાથ ધરી જીયોલોજીન્ટની મદદથી વાવ કેટલી પૂરાણી છે ? તેનું સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વાવ આશરે ૧૮૪૭માં એટલે કે આજથી ૧૭૩ વર્ષ પૂર્વે બાંધવામાં આવી હતી. તેનું બાંધકામ ઘોઘા પાસેના સ્થાપત્ય સાથે મળતું આવતું હોવાનું બહાર આવ્યું હતું.


કૃષ્ણનગર વાવનું પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરના હસ્તે ૧૫મી નવેમ્બર ૨૦૧૯ના રોજ  લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વાવનું ઐતિહાસિક મૂલ્ય જળવાઈ રહે તે માટે વાવ આસપાસ લોખંડની જાળી ઉભી કરી ચોકીદાર પણ મુકવામાં આવ્યા હતા. હવે ઐતિહાસિક વાવની સુંદરતા વધે તે માટે રોટરી ક્લબ દ્વારા રેલવે સાથે એમઓયુ કરી ગાર્ડન બનાવવાનું આયોજન કરાયું છે.